મંચ પર દીદી ઊભાં થયાં ને જય શ્રીરામ અને `મોદી મોદી'ના નારા ગુંજ્યા
કોલકાતા, તા. 23 : નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જયંતીએ કોલકાતાના વિકટોરિયા મેમોરિયલમાં આયોજિત કાર્યક્રમમાં વડા પ્રધાન મોદીની હાજરીમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો ગુસ્સો જોવા મળ્યો હતો. તેમણે નારેબાજી બાદ ભાષણ આપવાનો ઇન્કાર કર્યો હતો.
બેનરજી જ્યારે મંચ પર ભાષણ આપવા પહોંચ્યાં તો જય શ્રીરામ અને મોદી મોદીના નારા લાગ્યા, જેનાથી નારાજ બેનરજીએ બોલવાનો ઇન્કાર કર્યો હતો.
બેનરજી જ્યારે મંચ પર ઊભાં થયાં ત્યારે એક બાજુ જય શ્રીરામ તો બીજી બાજુ ભારત માતા કી જય અને મોદી મોદીના નારા લાગ્યા હતા. આનાથી મમતા બેનરજી નારાજ થઇ ગયાં હતાં. તેમણે કહ્યું કે, જો તમે કોઇને બોલાવ્યા છે, આમંત્રિત કર્યા છે તો આ રીતે કોઇનું અપમાન ન કરી શકાય.
બેનરજીએ કહ્યું કે, મને લાગે છે કે, સરકારના કાર્યક્રમની કોઇ ગરિમા હોવી જોઇએ. આ સરકારી કાર્યક્રમ છે. આ કોઇ પક્ષનો કાર્યક્રમ નથી. આ સર્વપક્ષીય અને જાહેર કાર્યક્રમ છે. હું તો વડાપ્રધાનની આભારી છું, સાંસ્કૃતિક મંત્રાલયની આભારી છું કે, તમે કોલકાતામાં કાર્યક્રમ કર્યો. પરંતુ કોઇને આમંત્રિત કરીને તેમનું અપમાન કરવું તમને શોભા નથી દેતું. જેનો વિરોધ વ્યકત કરી હું નહીં બોલું. જય હિન્દ, જય બાંગ્લા.
નેતાજીની 125મી જન્મજયંતીના અવસરે સવારે મમતા દીદીએ કોલકાતામાં નવ કિલોમીટરની પદયાત્રા યોજી હતી, અને શક્તિ પ્રદર્શન કર્યું હતું.