રૅલી પાંચ રૂટ અને 100 કિ.મી. સુધી થશે
નવી દિલ્હી, તા. 23 : આંદોલનકારી કિસાનોની 26મી જાન્યુઆરીની ટ્રેક્ટર રેલી માટે આખરે પોલીસે આજે સંમતિ આપી દીધી હતી. કિસાનો અને પોલીસ વચ્ચે આ મામલે આજે બેઠક મળી હતી જેમાં પોલીસે પ્રજાસત્તાક દિવસે કિસાનોની ટ્રેક્ટર રેલી કાઢવાની વાત માની લીધી હતી. કિસાન નેતા દર્શન પાલે જણાવ્યું હતું કે હવે અમે દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ કાઢીશું. પોલીસ અમને રોકશે નહીં. તેમણે જણાવ્યું હતું કે અમે અલગ-અલગ પાંચ રૂટ પરથી આ પરેડ કરશું. પરેડ શાંતિપૂર્વક રહેશે.
કિસાન નેતાઓની પોલીસની સાથે થયેલી બેઠક બાદ પાલે કહ્યું કે ટ્રેક્ટર પરેડ આશરે 100 કિલોમીટર ચાલશે. પરેડમાં જેટલો સમય લાગશે તેટલો અમને આપવામાં આવશે. તેમણે કહ્યું કે આ પરેડ ઐતિહાસિક હશે કે જેને દુનિયા જોશે. આવતીકાલે પરેડના સમગ્ર રૂટ અને સમય અંગેની જાહેરાત કરવામાં આવશે.
દિલ્હીમાં 26મી જાન્યુઆરીએ ટ્રેકટર રેલી કાઢવા અંગે કિસાનો અડગ હતા, પરંતુ દિલ્હી પોલીસ તેમને રેલી કાઢવાથી રોકવાના પ્રયાસ કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે પણ કિસાન આંદોલનના મામલે સુનાવણી દરમ્યાન જણાવ્યું હતું કે તે અંગેનો નિર્ણય પોલીસે લેવાનો રહેશે.
દિલ્હી એનસીઆરમાં નીકળનારી ટ્રેક્ટર પરેડમાં સામેલ થવા માટે અનેક રાજ્યના કિસાન દિલ્હી આવી રહ્યા છે. ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા જોગેન્દ્ર લાલુએ આજે દાવો કર્યો હતો કે આવતીકાલે ભિવાની જિલ્લાથી પાંચ હજાર ટ્રેકટર સૂચિત ટ્રેકટર પરેડમાં ભાગ લેવા માટે રવાના થશે.