અનૈતિક સંબંધમાં અભિનેત્રીની હત્યા

સાતારા, તા. 23 : વરિષ્ઠ અભિનેત્રી જયા પાટીલ (56)ની સાતારાના તેમના નિવાસસ્થાને અનૈતિક સંબંધને પગલે હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે કોલ્હાપુરથી અનંત દાજીબા પેડણેકર (33)ની ધરપકડ કરી છે. પેડણેકરને કોર્ટે આઠ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી છે. 
પોલીસે આપેલી માહિતી અનુસાર અનેક ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરતી વરિષ્ઠ અભિનેત્રી જયા પાટીલની 16 જાન્યુઆરીએ મધરાતે તેના બંગલા પર ગળું ચીરીને હત્યા કરવામાં આવી હતી. અભિનેત્રી છેલ્લે અનંતના સંપર્કમાં હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે કેટલાક મહિના પૂર્વે સાતારા જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન જયાની મુલાકાત થઇ હતી. બંનેએ એકબીજાના મોબાઇલ નંબર લીધા બાદ જયા તેને ઘરે બોલાવતી હતી. તેના અને જયાના અનૈતિક સંબંધો હતા. તેની સાથે શારીરિક સંબંધ રાખવાનું દબાણ કરાતા અનંતે જયાની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. તે રાતે પણ જયાએ મારી સાથે જબરદસ્તી કરવાનો પ્રયાસ કર્યો હતો અને મેં રોષે ભરાઇને તેનું ગળું ચીરી નાખ્યું હતું એમ અનંતે પોતાના નિવેદનમાં જણાવ્યું છે. આ કેસનો ઉકેલ 24 કલાકમાં  લાવતા પોલીસની ટીમની ઉચ્ચ અધિકારીઓએ પીઠ થાબડી હતી.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer