16મીથી કોરોના રસીકરણ

16મીથી કોરોના રસીકરણ
વડા પ્રધાનની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા બાદ સત્તાવાર જાહેરાત 
નવી દિલ્હી, તા. 9 :  વિશ્વને ડરાવનાર મહામારી કોરોનાને નાથવા માટે જેની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે. એ કોવિડ-19 વેક્સિનેશન કાર્યક્રમની આગામી 16 જાન્યુઆરીથી શરૂઆત થઇ જશે. આ રસી અભિયાનમાં લગભગ  3 કરોડ આરોગ્ય કર્મીઓ અને મહામારીના સામનામાં આગળ પડતાં તંત્રોના કર્મચારીઓને પ્રાથમિકતા અપાશે, એમ સરકારે આજે જણાવ્યુ હતું. કોવિડ-19 વાયરસની દેશમાં સ્થિતિ અને રસીકરણની તૈયારીની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આગામી લોહરી, મકર સંક્રાતિ, પોંગલ, માગ બિહુ જેવા તહેવારો બાદ 16મી જાન્યુઆરીથી દેશમાં રસીકરણ ઝુંબેશ શરૂ થશે. દેશમાં રસીની સ્થિતિ અને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીકરણની તૈયારી વિશેની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું વડાપ્રધાને અધ્યક્ષ પદ સંભાળ્યું હતું. રસીકરણ કાર્યક્રમમાં આરોગ્યકર્મી, આગળ પડતા કર્મીઓ અને એ પછી 50 વર્ષથી ઉપરની ઉંમરના વ્યક્તિઓને પ્રાથમિકતા અપાશે.
મોદીએ સ્થિતિની વ્યાપક સમીક્ષા કરી હતી. નોંધનીય છે કે, કોવિશિલ્ડ અને કોવેક્સિન એમ બે રસીઓના તાકીદના ઉપયોગ માટે રાષ્ટ્રીય નિયંત્રકે મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાને કોવિન વેક્સિન ડિલિવરી મેનેજમેન્ટ પદ્ધતિ એપ્લિકેશનની પણ સરાહના કરી હતી. આ અલાયદી ડિજિટલ સુવિધા વેક્સિનના જથ્થા, સંગ્રહસ્થાને તાપમાન અને  લાભાર્થીનાં સ્થાનનું ટ્રેકિંગ સહિતની તાજી માહિતી આપશે.
આ ડિજિટલ એપની સુવિધાથી દરેક સ્તરના પ્રોગ્રામ મેનેજરો અગાઉથી નોંધાયેલા લાભાર્થીઓને તેમની ચકાસણી અને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં મદદ કરશે. અત્યાર સુધીમાં 79 લાખ લાભાર્થી નોંધાઇ ચૂક્યા છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer