રાજ્ય સરકારે મુંબઈ પાલિકાને જીએસટીના 30,000 કરોડ રૂપિયા ચૂકવ્યા

રાજ્ય સરકારે મુંબઈ પાલિકાને જીએસટીના 30,000 કરોડ રૂપિયા ચૂકવ્યા
મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્રને જીએસટી તરીકે કેન્દ્ર સરકાર પાસેથી કુલ 30,000 કરોડથી વધુ રૂપિયા મળવાના બાકી છે. જોકે, રાજ્ય સરકારે મુંબઈ મહાનગર પાલિકાને દર મહિને નિયમિત રીતે જીએસટીનો હપ્તો આપવાનું ચાલુ રાખ્યું છે. છેલ્લાં સાડાત્રણ વર્ષમાં પાલિકાને જીએસટીના કુલ 30,000 કરોડ રૂપિયા મળ્યા છે. ઉપરાંત પાલિકા વિવિધ બૅન્કમાં 79,000 કરોડ રૂપિયાની ફિક્સ ડિપોઝિટ ધરાવે છે, જેનું કરોડો રૂપિયાનું વ્યાજ મળે છે. આ બંને આવકને લીધે પાલિકાનું ગાડું સરળતાથી દોડી રહ્યું છે.
અગાઉ મુંબઈ મહાનગરપાલિકાની આવકનો મુખ્ય સ્રોત અૉક્ટ્રોય હતો. અૉક્ટ્રોય તરીકે મહાપાલિકાને વર્ષે સાતથી આઠ હજાર કરોડ રૂપિયા મળતા હતા. દર વર્ષે એમાં 10 ટકા વધારો અપેક્ષિત હતો. અૉક્ટ્રોય ઉપરાંત પ્રોપર્ટી ટૅક્સની આવકને લીધે પાલિકા દેશની સૌથી શ્રીમંત મહાપાલિકા તરીકે ઓળખાતી હતી. જોકે, કેન્દ્ર સરકારે 2017થી અૉક્ટ્રોય રદ કરીને દેશ ભરમાં એક કર પદ્ધતિ તરીકે જીએસટી લાગુ કર્યો છે. 
મુંબઈ દેશની સૌથી મોટી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા હોવાથી પાલિકાને વર્ષ 2022 સુધી અૉક્ટ્રોય નુકસાનના વળતર તરીકે જીએસટી આવકનો ચોક્કસ હિસ્સો દર મહિનાના હપ્તા તરીકે આપવાનું નક્કી થયું હતું. જેનો ફાયદો હવે કોરોનાના આર્થિક સંકટના સમયમાં થવા લાગ્યો છે. જીએસટી ભરપાઈના પ્રથમ હપ્તા તરીકે 647.34 કરોડનો ચેક 2017ની પાંચમી જુલાઈએ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ 2020ની ચોથી ડિસેમ્બર સુધીના સાડાત્રણ વર્ષમાં કુલ 30,000 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ અદા કરવામાં આવી હોવાનું પાલિકા દ્વારા સ્થાયી સમિતિને જણાવવામાં આવ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer