મુંબઈ સેન્ટ્રલના કોચિંગ ડેપોમાં અૉટોમેટિક કોચ વૉશિંગ પ્લાન્ટ શરૂ થયો

મુંબઈ સેન્ટ્રલના કોચિંગ ડેપોમાં  અૉટોમેટિક કોચ વૉશિંગ પ્લાન્ટ શરૂ થયો
મુંબઈ, તા. 9 : પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ કોચિંગ ડેપોમાં અૉટોમેટિક કોચ વૉશિંગ પ્લાન્ટ શરૂ ર્ક્યો છે. આ પ્લાન્ટ ઓછા સમયમાં, પાણી અને માનવબળની બચત સાથે ટ્રેનને ધોવાની પ્રક્રિયા અસરકારક રીતે પૂરી કરવામાં મદદ કરે છે. આ પ્લાન્ટથી ટ્રેન ધોવાના ખર્ચમાં દર વર્ષે અંદાજે 68 લાખ રૂપિયાની બચત થશે.
આ અૉટોમેટિક કોચ વૉશિંગ પ્લાન્ટ કેપ્ટિવ એફ્લ્યુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સજ્જ છે અને એનું ઉત્સર્જન પર્યાવરણના માપદંડને અનુકૂળ છે. પ્લાન્ટ દ્વારા 24 ડબાની ટ્રેન 20 મિનિટમાં ધોવામાં આવે છે. આ પ્લાન્ટ મેન્યુઅલ વૉશિંગ પ્રક્રિયાની સરખામણીમાં 60 ટકા ઓછું પાણી વાપરે છે. પરિણામે વર્ષે લગભગ 1.8 મિલિયન લિટર પાણીની બચત થશે. 1.67 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલો આ પ્લાન્ટ ગત 30મી ડિસેમ્બરથી કાર્યરત થઈ ગયો છે. અૉટોમેટિક કોચ વૉશિંગ પ્લાન્ટ પર્યાવરણલક્ષી અને ખર્ચમાં બચત કરનારો છે તથા ટ્રેન મેન્ટનન્સ અૉટોમેશન ક્ષેત્રે અભિનવ પગલું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer