ખેડૂત આંદોલનના ઉકેલ માટે મોહન ભાગવતને મધ્યસ્થી કરવાનો અનુરોધ

ખેડૂત આંદોલનના ઉકેલ માટે મોહન ભાગવતને મધ્યસ્થી કરવાનો અનુરોધ
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 9 : શિવસેનાના નેતા તથા મહારાષ્ટ્રમાં વસંતરાવ નાઈક કૃષિ સ્વાવલંબી મિશનના અધ્યક્ષ કિશોર તિવારીએ છેલ્લા 45 દિવસથી ચાલી રહેલા ખેડૂત આંદોલનનો કોઈ સંતોષજનક નીવેડો નહીં આવતાં ચિંતા વ્યક્ત કરી હતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉ. મોહનરાવ ભાગવતને મધ્યસ્થી કરવાનો અનુરોધ ર્ક્યો છે.
તેમણે સરસંઘચાલકને આ બાબતે લખેલા પત્રમાં જણાવ્યું છે કે મોદી સરકારના ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાની માગણી સાથે ખેડૂતો છેલ્લા 45 દિવસથી રાજધાની દિલ્હીની સીમાએ આંદોલન કરી રહ્યા છે. લગભગ 40 ખેડૂત સંગઠનોના નેતાઓની કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને તેમના અન્ય સહયોગીઓ સાથેની વાતચીતના આઠ દોર પૂરા થવા છતાં હજી સુધી કોઈ સંતોષજનક ઉકેલ નથી મળ્યો. 
કિશોર તિવારીએ વધુમાં લખ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજી સુધી ખેડૂતો સાથે સીધી વાતચીત કરી નથી. એમણે કહ્યું હતું કે સંઘ પરિવારના સંગઠન ભારતીય કિસાન સંઘ (બીકેએસ)ની ભૂમિકા કૃષિ સુધારાઓથી એકદમ જુદી છે અને બીકેએસએ પણ રાષ્ટ્રીય સ્તર પર એનો વિરોધ ર્ક્યો છે. આથી આવી સ્થિતિમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની છે. આંદોલનકારી ખેડૂતોને દેશદ્રોહી અથવા રાજકીય રીતે ભ્રમિત કહેવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં ડૉ. મોહન ભાગવતની મધ્યસ્થી વધુ જરૂરી બની છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer