ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીનું નિધન

ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીનું નિધન
અમારા પ્રતિનિધિ તરફથી
અમદાવાદ,તા. 9 : ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન થયું છે. કોંગ્રેસને એમના વડપણમાં ગુજરાતમાં સૌથી વધુ 149 બેઠકો મળેલી. ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાની શરૂઆત કરવાનો યશ એમને જાય છે અને ગુજરાતમાં ખામ થિયરીના જનક પણ એ જ હતા. કેન્દ્રમાં તેઓ મંત્રી રહ્યા હતા. એમના અવસાન નિમિત્તે એક દિવસના રાજકીય શોકની જાહેરાત થઇ છે. વિચક્ષણ, સાહિત્ય-સંસ્કૃતિ પ્રેમી માધવસિંહના પુત્ર ભરતસિંહ વિદેશ હોવાથી આવતીકાલે અંતિમ સંસ્કાર થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણી અને રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ ગુજરાતના કૉંગ્રેસી દિગ્ગજને અંજલિ અર્પી હતી. 
માધવસિંહ ઘણા સમયથી બિમાર રહેતા હતા તેમના પુત્ર ભરતાસિંહ સોલંકી હાલ અમેરિકામાં છે, આથી સ્વર્ગસ્થની અંતિમવિધિ આવતીકાલે રવિવારે સંપૂર્ણ સરકારી સન્માન સાથે કરવામાં આવશે. ભરતાસિંહ સોલંકીને પણ આજે સવારમાં આ અપાયા હતા. તેઓ તાત્કાલિક અમેરિકાથી ગુજરાત આવવા રવાના થયા છે.  હાલ આ કારણે અંતિમસંસ્કાર આજે કરી શકાયા નથી.
આવતીકાલે સદગતની અંતિમવિધિમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી આવે એવી શકયતા છે.
ખામ થિયરી અને  મધ્યાહ્ન ભોજન યોજનાના જનક માધવસિંહ
માધવાસિંહ કોંગ્રેસના પીઢ નેતા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા. તેમનો જન્મ 30 જુલાઈ 1927ના રોજ થયો હતો. માધવાસિંહ સોલંકી રાજનીતિમાં આવ્યાના ટૂંક સમયમાં જ 1976માં ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. ત્યાર બાદ તેમણે 1981માં ફરી એકવાર ગુજરાતની સત્તા સંભાળી હતી. ગુજરાતમાં 1980ના દાયકામાં તેઓ પોતાના ખામ થિયરી (ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ ફોર્મ્યુલા) માટે જાણીતા થયા હતા. તેમણે સામાજિક અને આર્થિક રૂપથી પછાત વર્ગો માટે આરક્ષણની શરૂઆત કરી હતી, ત્યાર બાદ તેમણે 1985માં પદેથી રાજીનામું આપ્યું હતું, પરંતુ ફરી તેમણે વિધાનસભાની 182 બેઠકમાંથી 149 બેઠક જીતી સત્તા સંભાળી હતી. આજ દિન સુધી તેમનો આ રેકોર્ડ કોઈ તોડી શક્યું નથી. ગુજરાતમાં સૌથી વધુ વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે છે, જેને હજી સુધી નરેન્દ્ર મોદી પણ તોડી નથી શક્યા. આ ઉપરાંત ગુજરાતના વિકાસમાં તેમનો સિંહફાળો રહ્યો છે. માધવાસિંહ સોલંકીના શાસનકાળમાં ઉદ્યોગ, વીજળી, સિંચાઇ, શિક્ષણ, કન્યા કેળવણી, મફત શિક્ષણ જેવા સુધારાથી ગુજરાતના વિકાસમાં ઘણી ઝડપ આવી હોવાનું માનવામાં આવે છે.
માધવાસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે. 
તેઓ વર્ષ 1973-1975-1982-1985માં ગુજરાતનાં મુખ્યપ્રધાન બન્યા હતા. પહેલીવાર 1976માં રાષ્ટ્રપતિ શાસન હટયા બાદ માધવાસિંહ સોલંકીને મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer