સિડની ટેસ્ટ : 197 રનની લીડ સાથે અૉસિ.ની પકડ મજબૂત

સિડની ટેસ્ટ : 197 રનની લીડ સાથે અૉસિ.ની પકડ મજબૂત
ભારતનો દાવ 244 રનમાં સમેટાયા બાદ અૉસ્ટ્રેલિયા તરફથી લાબુશેન અને સ્મિથે બાજી સંભાળી : ત્રીજા દિવસના અંતે સ્કોર 103/2
સિડની, તા. 9 : પેટ કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને પહેલી ઈનિંગમાં 244 રનમાં સમેટી દીધું હતું અને બીજી ઈનિંગમાં 94 રનની સરસાઈ સાથે મેદાનમાં ઉતરી હતી. ત્રીજા દિવસની રમત પૂરી થવા  સુધીમાં મેજબાન ટીમે બે વિકેટ ગુમાવીને 103 રન બનાવી લીધા છે અને પકડ વધારે મજબૂત કરી છે. ખેલ પૂરો થયા સુધીમાં બે મુખ્ય બેટ્સમેન માર્નસ લાબુશેન 47 રને અને સ્ટિવ સ્મિથ 29 રન બનાવીને રમી રહ્યા હતા. આ બન્નેએ પહેલી ઈનિંગમાં પણ શાનદાર બેટિંગ કરી હતી. લાબુશેને 91 રન કર્યા હતા અને સ્મિથે 131 રન કર્યા હતા. 
ઓસ્ટ્રેલિયાની ઓપનિંગ જોડી ફરી એક વખત વિફળ રહી હતી અને ટીમને સારી શરૂઆત આપી શકી નહોતી. પહેલી ઈનિંગમાં અર્ધસદી કરનારા વિલ પુકોવસ્કીને 10 રનના કુલ સ્કોરે મોહમ્મદ સિરાજે આઉટ કર્યો હતો. 35 રનના કુલ સ્કોરે વોર્નરને અશ્વિને આઉટ કર્યો હતો. ત્યારથી લાબુશેન અને સ્મિથે મેદાન સંભાળ્યું હતું. લાબુશેન 69 બોલનો સામનો કરીને 6 ચોગ્ગા ફટકારી ચૂક્યો છે. જ્યારે સ્મિથ 63 બોલમાં ત્રણ ચોગ્ગા ફટકારી ચૂક્યો છે. 
આ અગાઉ ભારતે ત્રીજા દિવસની શરૂઆત બે વિકેટ ઉપર 96 રન સાથે કરી હતી. ભારતીય ટીમે 100.4 ઓવરનો સામનો કર્યો હતો. ચેતેશ્વર પૂજારાએ 50 રન કર્યા હતા. જ્યારે પંતે 36 રનની ઈનિંગ રમી હતી. રવિન્દ્ર જાડેજા 28 રને નોટઆઉટ પરત ફર્યો હતો. પંત અને જાડેજા બન્નેને ઈજા પહોંચી હતી અને સ્કેન કરવું પડયું હતું. પંતની જગ્યાએ સહાએ વિકેટકિપિંગ કર્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સે ચાર વિકેટ લીધી હતી. જ્યારે જોશ હેઝલવુડને બે વિકેટ મળી હતી. ભારતના ત્રણ બેટ્સમેન રનઆઉટ થયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer