મસૂદની 18મી સુધીમાં ધરપકડ કરવા પાકિસ્તાન કોર્ટનો આદેશ

મસૂદની 18મી સુધીમાં ધરપકડ કરવા પાકિસ્તાન કોર્ટનો આદેશ
આતંકી ભંડોળ મામલે વૈશ્વિક આતંકવાદીને કોર્ટમાં રજૂ કરવા કહેવાયું
ઈસ્લામાબાદ, તા. 9 : પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે પંજાબ પોલીસને કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્રમાંથી વૈશ્વિક આતંકી ઘોષિત જેશ એ મોહમ્મદના સરગના મસૂદ અઝહરની આતંકી ભંડોળના મામલામાં  18 જાન્યુઆરી સુધીમાં ધરપકડ કરવામાં આવે. અઝહર સામે ધરપકડ વોરન્ટ આતંકવાદ વિરોધી અદાલત ગુજરાંવાલાએ જારી કર્યું છે.  અદાલતના એક અધિકારીએ કહ્યું હતું કે, એટીસી ગુજરાંવાલા ન્યાયાધિશ નતાશા નસીમ સુપ્રાએ મસૂદ અઝહરને 18 જાન્યુઆરી સુધી ધરપકડ કરીને અદાલતમાં રજૂ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અઝહર આતંકી ભંડોળ અને આતંકી સામગ્રીના પ્રચાર પ્રસારના આરોપોનો સામનો કરી રહ્યો છે. ફેબ્રુઆરી 2019માં ભારતના પુલવામામાં થયેલા હુમલા બાદ પાકે આતંકી ભંડોળ મામલે ધરપકડ શરૂ કરી હતી. જેમાં પ્રતિબંધિત 6 આતંકીઓને ઝડપવામાં આવ્યા હતા. અઝહર આ મામલે મુકદ્દમાનો સામનો કરી રહ્યો છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer