તંત્રી સ્થાનેથી...
દેશભરમાં 16મી જાન્યુઆરીથી કોરોનાની રસીનું રસીકરણ શરૂ કરવાની તૈયારી સરકાર યુદ્ધનાં ધોરણે કરી રહી છે ત્યારે બીજી બાજુ કિસાનો પંદરમીથી આંદોલનને વધુ તીવ્ર બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. આ દરમિયાન 11મીએ સુપ્રીમ કોર્ટમાં કૃષિ કાયદા અંગેની સુનાવણી શરૂ થવાની અપેક્ષા છે. કિસાનો ટ્રેકટર રૅલીનું શક્તિ પ્રદર્શન કર્યા પછી એમ માને છે કે તેનાથી સરકાર ઝૂકી જશે, પરંતુ સરકાર મક્કમ હોવાથી હવે કિસાનો ઢીલા ન પડે એ માટે કૉંગ્રેસની આગેવાની હેઠળ રાજનીતિક પક્ષોએ તમામ સહકાર અને સપોર્ટ આપવાની જાહેરાત કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકાર કિસાનો સાથે વિશ્વાસઘાત કરી રહી છે. અન્ય કૉંગ્રેસી નેતાઓએ કહ્યું છે કે ખેડૂતો માટે અમે કુરબાની આપવા પણ તૈયાર છીએ. આમ હવે રાજકીય પક્ષો આ મામલામાં ઝુકાવે છે, પણ સરકારે સ્પષ્ટ વલણ રાખ્યું છે કે તેમની મંત્રણા માત્ર કિસાનોના આગેવાનો સાથે જ થશે. આમાં કોઈ રાજકીય પક્ષને અવકાશ કે સ્થાન નથી. 26મી જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની પરેડ રોકવાની કે સમાંતર ટ્રેક્ટર પરેડ યોજવાની તૈયારી હોઈ શકે છે. સરકાર પર દબાણ લાવવા માટે આવું થયું તો સમસ્યા ઓર વધશે.
કિસાનોની માગણી એવી છે કે ત્રણેય કાયદા રદ કરો અને લઘુતમ ટેકાના ભાવ (મિનિમમ સપોર્ટ પ્રાઇસ-એમએસપી)ની ખાતરી આપો. શક્ય છે કે એમએસપી અંગેની ખાતરી સરકાર તરફથી પણ મળ્યા બાદ હવે સુપ્રીમ કોર્ટ પણ આ અંગે નિર્દેશ આપી શકે છે, પરંતુ કાયદા રદ કરવાની વાત તો સર્વોચ્ચ અદાલત પણ નહીં કરી શકે કેમ કે આ સંસદનું અધિકાર ક્ષેત્ર છે. દરમિયાન, એવાં સૂચનો સંભળાયાં કે જે રાજ્યો આ કાયદાનો અમલ કરવા ન માગતાં હોય તેમને અપવાદ આપવા. આમ થાય તો આ કાયદા લાગુ કરવાથી જે રાજ્યોને લાભ થશે એ જોઈને બીજાં રાજ્યો પણ તેનો સ્વીકાર કરશે, પરંતુ પંજાબ અને મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં કૃષિ બજાર-મંડીઓ પર રાજકીય નેતાઓની પકડ છે. તેમને એપીએમસીના માધ્યમથી કરોડો રૂપિયા મળે છે, આથી એ નેતાઓ સંમત થાય નહીં.
કાયદા રદ કરવા બાબતે સરકાર જરાક છૂટ કે ઢીલ આપે તો તેની અસર-સ્નોબૉલિંગ ઇફેક્ટ થાય. રાજધાનીને ઘેરો ઘાલવાથી અને પોતાની માગ પકડી રાખવાથી સરકારને ઝુકાવી શકાય છે એવો દાખલો બેસે તો કૃષિ કાયદા પછી 370ની ક્લમ પાછી લાવવાનો, શ્રમ કાયદામાં થયેલા ફેરફારો અને નાગરિકતા કાયદો રદ કરાવવા માટેનું હથિયાર મળી જાય. રાજકીય પક્ષોને તો એટલું જ જોઈએ છે. સરકાર સામે પડકારો ઊભા થાય અને અસ્થિરતા-અનિશ્ચિતતા ઊભી થાય એમાં જ તેમને રસ છે. વિદેશી તત્ત્વો, ભારતીય તત્ત્વો અને સ્થાપિત હિતો ધરાવતાં તત્ત્વો આ આંદોલનના નામે પોતાનો એજેન્ડા આગળ કરી રહ્યા છે, માત્ર ખેડૂતોનાં હિતની વાત હોત તો સરકાર અને સુપ્રીમ કોર્ટે નિકાલ લાવી દીધો હોત. અત્યારે ગર્ભિત ભય રાજતંત્ર સાથે અર્થતંત્ર પણ ઊથલી જાય એનો છે. નરેન્દ્ર મોદીની મક્કમ નિર્ણાયક શક્તિ જોતાં સમાધાન કરાશે પણ કાયદા તો રદ કરી શકાય નહીં.
ભિંદરાણવાલા વખતે જે હિંસક આંદોલન અને અલગતાવાદ હોવાથી ઇન્દિરા ગાંધીએ સૈન્યનો ઉપયોગ કરી અૉપરેશન બ્લૂ સ્ટાર પાર પાડયું. અહીં હિંસા થઈ નથી એટલે મોદી સરકાર સંયમિત છે. આંદોલન લાંબું ખેંચાય તો પણ સુપ્રીમ કોર્ટ કેવો રસ્તો કાઢે છે એ જોવાનું રહે છે. જ્યાં સુધી કોરોના વૅક્સિનને લાગેવળગે છે, વિરોધી પક્ષોયે એમાં પણ રાજકારણ શરૂ ર્ક્યું છે. અખિલેશ યાદવ અને કૉંગ્રેસના નેતાઓએ આને ભાજપની રસી ગણાવી ન લેવાની વાત કરી છે. લોકોમાં ભય ઊભો કરવાનો આ પ્રયાસ છે. અત્યારના કાળમાં અફવા મોટો ભય છે. માટે જ રસી માટે સરકાર બળજબરી કરતી નથી. સમાજના એક વર્ગને 1975ની ઈમર્જન્સી અને સંજય ગાંધી યાદ આવે છે પણ એવો ભય અસ્થાને છે. સરકાર દબાણ અને શક્તિ પ્રદર્શનને તાબે થતી નથી પણ અફવાઓ અને વિરોધ બંને મોરચે લડી રહી છે.