આંદોલનકારી ખેડૂતોને હટાવવા સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હી, તા. 9 : કેન્દ્રએ લાગુ કરેલા નવા કૃષિ કાયદા વિરૂદ્ધ છેલ્લા 45 દિવસથી દિલ્હી સરહદે આંદોલન ચલાવી રહેલા ખેડૂતોને સ્થળ પરથી હટાવવાની માગ સાથે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
કૃષિ કાયદા પાછા ખેંચવાની માગ પર અડગ ખેડૂતો સાથે સરકારની 9 તબક્કાની મંત્રણા નિષ્ફળ ગઈ છે. બંન્ને પોતાની વાત પર મક્કમ રહેતા ઉકેલ આવ્યો નથી. દરમિયાન ઋષભ શર્મા નામના એક અરજદારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ખેડૂતોના ધરણાં પ્રદર્શન મામલે નવુ સોગંદનામુ રજૂ કર્યું છે. અરજીમાં તેણે માગ કરી કે દિલ્હી સરહદેથી ખેડૂતોને હટાવવામાં આવે. રસ્તો જામ કરી પ્રદર્શન કરવું શાહીનબાગ મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા નિર્દેશોનું ઉલ્લંઘન છે.
અરજદારનું કહેવું છે કે પ્રદર્શન અને રસ્તો જામ કરવાથી રોજ 3500 કરોડનું નુકસાન થઈ રહ્યું છે તથા કાચા માલના ભાવ 30 ટકા સુધી વધી ચૂકયા છે. પ્રદર્શનકારીઓએ શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાના સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન કર્યું છે કારણ કે મોબાઈલ ટાવરોને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. શર્માની આ અરજી પર સોમવારે સુનાવણી થશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer