ન્યૂ યૉર્ક, તા. 9 : અમેરિકામાં કોરોના વાયરસનો કહેર યથાવત્ છે. અહીં લોકોને રસી મુકાવાનું કામ શરૂ થઇ ગયું છે, પરંતુ કોરોનાથી થતાં મોતની આંકડાવારીમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
અહીં એક દિવસમાં થતાં મોતે અત્યારસુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગત 24 કલાકમાં લગભગ 4000થી વધુ લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં એક જ દિવસમાં મોતનો આ સૌથી વધુ આંકડો છે.
જોન્સ હોપકિન્સ વિશ્વ વિદ્યાલય દ્વારા જાહેર થયેલી આંકડાવારી અનુસાર ગુરુવાર સાતમી જાન્યુઆરીએ અમેરિકામાં બે લાખ 75 હજાર નવા કોરોના વાયરસના કેસ સામે આવ્યા હતા. જ્યારે એક જ દિવસમાં 4085 લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં આ વાયરસને પગલે અત્યારસુધી ત્રણ લાખ 65 હજારથી વધુ લોકોનાં મોત થઇ ગયાં છે.
યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલના નવા ડેટા અનુસાર ફલોરિડા અને કેલિફોર્નિયામાં નવા કોરોના વાયરસના સ્ટ્રેનના સૌથી વધુ કેસ નોંધાયા છે.