કાશ્મીરમાં ભારે હિમવર્ષા : 75 હજાર જેટલા મુંબઈગરા ફસાયા

મુંબઈ, તા. 9 : ઉનાળાના વૅકેશન ઉપરાંત વ્હાઇટ સિઝન તરીકે ઓળખાતા શિયાળાના દિવસોમાં પણ કાશ્મીરમાં પર્યટકોની ભારે ભીડ થતી હોય છે. આ વરસે પણ હજારોની સંખ્યામાં મુંબઈના સહેલાણીઓ કાશ્મીર ગયા છે, પરંતુ ત્યાં થઈ રહેલી ભારે હિમવર્ષાને કારણે કાશ્મીરનો સીધો સંપર્ક તૂટી ગયો છે. આવી પરિસ્થિતિમાં 75 હજાર જેટલા મુંબઈગરા કાશ્મીરમાં અટવાયા છે.
હાલ કાશ્મીરમાં અઢી લાખ જેટલા સહેલાણીઓ છે જેમાં 30 ટકા જેટલા મુંબઈથી ગયા છે. આ અઠવાડિયાની શરૂઆતથી બરફના ભારે વરસાદની શરૂઆત થતાં શ્રીનગર ઍરપોર્ટની ડોમેસ્ટિક હવાઈ સેવા બંધ કરવામાં આવી છે. ગુલમર્ગ, પહેલગામ, શ્રીનગર, સોનમર્ગને જોડતા રસ્તાઓ પણ બંધ છે. આવી પરિસ્થિતિમાં મુંબઈના પર્યટકોને કાશ્મીર ટૂરિઝમના ડિરેક્ટર નિસાર અહમદ વાણી શક્ય એટલી સહાય પૂરી પાડી રહ્યા છે. અમે સરકારી કર્મચારી કૉલોની, ત્યાંનાં વિશ્રામગૃહ જેવાં વિવિધ સ્થળે સુવિધા ઉપલબ્ધ કરી છે.
ટ્રાવેલ એજન્ટ્સ ઍસોસિયેશન અૉફ કાશ્મીરના અધ્યક્ષ ફારુખ કુત્થુએ જણાવ્યું કે માનવતાની દૃષ્ટિએ અમે પર્યટકો માટે સુવિધા ઉપલબ્ધ કરાવી છે. કાશ્મીરમાં સૌથી વધુ પર્યટકો મુંબઈથી આવતા હોવાનું તેમણે જણાવ્યું હતું.
કોરોનાને કારણે વિદેશમાં વૅકેશન માણી ન શકનારા અનેક મોટા ઉદ્યોગપતિ પણ પરિવાર સાથે કાશ્મીરમાં છે. આવા 20-25 વિમાનો છેલ્લા વીસેક દિવસમાં મુંબઈથી રવાના થયાં હતાં. આ વિમાનો હાલ શ્રીનગર ઍરપોર્ટ પર અટવાયાં છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer