મુંબઈ, તા. 9 : કોનોર બીલ્ડર્સને અંધેરી વેસ્ટમાં તેના ગેટવે પ્રોજેક્ટમાં ફ્લેટનો કબજો સોંપવામાં લગભગ ત્રણ વર્ષના વિલંબ બદલ ફ્લેટના માલિકને 60 લાખ રૂપિયા ચૂકવવાનો મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી અૉથોરિટી (મહારેરા)એ આદેશ આપ્યો છે. મહારેરાના સભ્ય સતબીર સિંહે આ આદેશ આપ્યો છે.
સુશાંત કરકેરાએ 2014માં અંદાજ બે કરોડ રૂપિયાની કિંમત ધરાવતો ફ્લેટ બુક કરાવ્યો હતો. બીલ્ડરે 31 ડિસેમ્બર, 2016ના રોજ અથવા તે પૂર્વે ફ્લેટનો કબજો સોંપવાનો હતો, પરંતુ ફરિયાદીએ તેમના પ્રતિનિધિત્વ સીએ અશ્વિન શાહ અને ઍડવોકેટ સંદીપ મનુબારવાલા મારફતે જણાવ્યું હતું કે, કોઈપણ પ્રકારની જાણ કર્યા વિના બીલ્ડરે પ્રોજેક્ટ પૂર્ણ થવાની તારીખ ડિસેમ્બર, 2019 સુધી લંબાવી હતી અને મહારેરાની પાસે પ્રોજેક્ટને રજિસ્ટર કરાવતી વખતે ડિસેમ્બર 2020 સુધી વધુ લંબાવી હતી.
એડવોકેટો અનિલ ડીસોઝા તથા સરોજ અગ્રવાલ મારફતે રજૂઆત કરતા કોનોર બીલ્ડર્સે એવું નોંધી બતાવ્યું હતું કે, સાચી અને અનિવાર્ય મુશ્કેલીઓને કારણે પ્રોજેક્ટ વિલંબમાં મુકાયો હતો જે બદલ જમીન માલિક કંપની એ. એચ. કન્સ્ટ્રકશન કારણભૂત હતી. પ્રતિવાદીએ એમ પણ જણાવ્યું હતું કે, એ. એચ. કન્સ્ટ્રકશન મિલકતની માલિક તેમ જ પ્રમોટર અૉનર હોવાની ફરિયાદીને જાણ હતી, કારણ કે વેચાણ કરારમાં સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કરાયો હતો કે મજકુર બિલ્ડિંગ માટે જોઈતી પરવાનગીઓ મેળવવાની તમામ જવાબદારીઓ એ. એચ. કન્સ્ટ્રકશનની છે.
જોકે, ફરિયાદીએ એવી દલીલ કરી હતી કે, એ. એચ. કન્સ્ટ્રકશનની સાથે તેમને કોઈ સંબંધ નહોતો અને તેમણાં ફ્લેટ માટેના નાણાં પ્રતિવાદીને ચૂકવ્યા હતા.