મુંબઈ, તા. 9 : સાયન પનવેલ એકસ્પ્રેસ વે પર પાલિકાના અધિકારીઓ હોવાનું જણાવી ટ્રક ડ્રાઇવરોની પાસેથી રૂપિયા લૂંટનાર બનાવટી અધિકારીઓની માનખુર્દ પોલીસે ધરપકડ કરી છે. આ લૂંટેરાઓ ટ્રકની તપાસ કરવાની છે, એમ જણાવી થાણેની હદમાં આવતા ટ્રક ડ્રાઇવરો પાસે રૂપિયા લેતા હતા. સાયન પનવેલ એકસ્પ્રેસ વે પર મધરાત બાદ ત્રણ વાગ્યે બે યુવાનોએ ટુ વ્હીલર પર આવી એક ટ્રક અટકાવી પોતે મુંબઇ મહાનગર પાલિકાના અધિકારીઓ હોવાનું જણાવી ટ્રકની તપાસ કરવાની માગણી કરી હતી. ટ્રકની તપાસ બાદ તે બંનેએ રૂપિયા લીધા હતા. પરંતુ ટ્રક ડ્રાઇવરે ટુ વ્હીલર પર કોઇ નંબર પ્લેટ ન જોતાં તેને શંકા ગઇ હતી અને તેણે લૂંટની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. માનખુર્દ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી બંનેને તાબામાં લીધા હતા.