નવી દિલ્હી, તા. 9 : સિડનીમાં રમાઈ રહેલા ત્રીજા ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય બેટ્સમેનોએ સરળતાથી સરેન્ડર કરી દીધું હતું. જેનાથી ઓસ્ટ્રેલિયાએ ટીમ ઈન્ડિયાને 244 રનમાં જ ઢેર કરીને પહેલી ઈનિંગમાં 94 રનની મજબુત સરસાઈ મેળવી લીધી હતી. ભારત માટે માત્ર શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારા જ અર્ધસદી કરી શક્યા હતા. ભારતીય બેટ્સમેનોએ ખરાબ પ્રદર્શન તો કર્યું હતું તેમાં પણ 3-3 રન આઉટે ભારતની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. ભારતની પહેલી ઈનિંગ દરમિયાન હનુમા વિહારી, રવિચંદ્રન અશ્ચિન અને જસપ્રીત બુમરાહ રનઆઉટ થયા હતા. આ સાથે જ ટીમ ઈન્ડિયાના નામે શર્મનાક રેકોર્ડ થયો હતો. ભારતના ટેસ્ટ ઈતિહાસમાં સાતમી વખત એક ટેસ્ટમાં ઈનિંગમાં ત્રણ કે વધારે બેટ્સમેન રનઆઉટ થયા છે.
12 વર્ષ પહેલા ઈંગ્લેન્ડમાં મોહાલી ટેસ્ટની બીજી ઈનિંગમાં વિરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ અને વીવીએસ લક્ષ્મણ રનઆઉટ થયા હતા. ભારતીય ઈનિંગની 68મી ઓવરમાં વિહારી રનઆઉટ થયો હતો. જ્યારે 93મી ઓવરમાં અશ્વિન રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. આ ઉપરાંત 97મી ઓવરમાં બુમરાહ સફળતાપૂર્વ ક્રિઝમાં પહોંચી શક્યો નહોતો અને રનઆઉટ થયો હતો. એક ટેસ્ટ ઈનિંગમાં ભારતના અત્યારસુધીમાં સૌથી વધારે ચાર ખેલાડીઓ પાકિસ્તાન સામે 1955મા રનઆઉટ થયા હતા.