મોદીનું મિશન કોરોના વૅક્સિન

મોદીનું મિશન કોરોના વૅક્સિન
અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની રસી ઉત્પાદક કંપનીઓની મુલાકાત
દેશના ખૂણેખૂણે રસી પહોંચાડવાની કરી સમિક્ષા
નવી દિલ્હી, તા. 28 : યુરોપ અને ભારતમાં મહામારી કોરોનાની બીજી લહેરની ચર્ચા વચ્ચે દુનિયાભરના વિજ્ઞાનિઓ કોરોનાની મારક રસીની શોધમાં દિવસ-રાત એક કરી રહ્યા છે.રસી ઉત્પાદનમાં દુનિયાભરમાં અવ્વલ ભારતમાં પણ કોરોનાની રસી વિવિધ તબક્કામાં છે અને તેની ટ્રાયલ હાથ ધરાઇ હોવાના અહેવાલો છે.  
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની ત્રણ રસી ઉત્પાદક ફાર્મા કંપનીઓની મુલાકાત લઇને કોરોના વૅક્સિન સંબંધી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મોદીનું મિશન વૅક્સિન સવારે અમદાવાદથી શરૂ થઇને વાયા હૈદરાબાદ સાંજે પુણેમાં સંપન્ન થયા બાદ તેઓ દિલ્હી પરત ફર્યા હતા. મિશન વૅક્સિન દરમિયાન મોદી વડા પ્રધાન તરીકેનો વિશેષાધિકાર કોરાણે મુકી સીધાં લૅબોરેટરીઓમાં ગયા હતા અને વિજ્ઞાનીઓ તેમ જ નિષ્ણાતો સાથે ચર્ચા કરીને વૅક્સિન વિષયક રજે-રજની માહિતી મેળવી હતી. ગુજરાત, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર એમ ત્રણ રાજ્યોની ઉડતી મુલાકાત દરમિયાન વડા પ્રધાને રાજ્યોના મુખ્ય પ્રધાનો કે રાજ્યપાલોને ઍરપોર્ટ પર સ્વાગત માટે આવવાની ઔપચારિકતા ન નિભાવવાની સૂચના આપીને મિશનની ગંભીરતાનો સંકેત આપ્યો હતો.
વડા પ્રધાન કાર્યાલય તરફથી સાંજે જણાવાયું હતું કે નિષ્ણાતો સાથે રસી અને તેના ઉત્પાદન વિષયક ચર્ચા સાથે જ વડા પ્રધાને રસીના વિતરણ સંબંધી સલાહ-સૂચનો પણ લીધાં હતા. દેશની વસતીને જોતા રસી ઉત્પાદન ઉપરાંત વિશાળ દેશના ખૂણે-ખૂણે રસી પહોંચાડવી અને પ્રત્યેક નાગરિકને રસીકરણ હેઠળ આવરી લેવાનું કામ પણ પડકારજનક હશે, વડા પ્રધાને આ સંબંધી તૈયારીઓની માહિતીની આપ-લે પણ વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો સાથે
કરી હતી.
અમદાવાદ : મિશન વૅક્સિન માટે દિલ્હીથી વહેલી સવારે નીકળેલા વડા પ્રધાન મોદી પહેલા અમદાવાદ આવીને સીધા જ ઝાયડસ કૅડિલાના ઉત્પાદક યુનિટમાં પહોંચ્યા હતા. ત્યાં પીપીઇ કિટ પહેરીને કંપનીના એમડી પંકજ પટેલ અને વિજ્ઞાનીઓ સાથે લૅબમાં નિરિક્ષણ માટે ગયા હતા અને લગભગ એક કલાક ચર્ચા કરી હતી. બાદમાં મોદીએ ટવીટ કરીને જણાવ્યું હતું કે અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્કની મુલાકાતમાં ઝાયડસ કૅડિલા દ્વારા ડીએનએ આધારિત સ્વદેશી કોરોના રસીની માહિતી મેળવી હતી. 
આ કંપનીની ટીમ દ્વારા કરાયેલી કામગીરીથી હું પ્રભાવિત થયો. સરકાર તેમની આ સફરમાં સાથે રહેશે.
તાજેતરમાં ઝાયડસ-કૅડિલાના ચૅરમૅન પંકજ પટેલે કહ્યું હતું કે માર્ચ 2021 સુધીમાં કોરોના વૅક્સિનની વિવિધ ટ્રાયલ પૂર્ણ થશે અને વર્ષે 10 કરોડ ડોઝ તૈયાર કરાશે.
હૈદરાબાદ : ઝાયડસ પ્લાન્ટમાં કલાકના રોકાણ બાદ વડા પ્રધાન બપોર પહેલા 11.40 વાગ્યે અમદાવાદથી હૈદરાબાદ જવા નીકળી ગયા હતા. હૈદરાબાદ નજીક હકિમપેટ ઍરફોર્સ સ્ટેશને લગભગ બપોરે એક વાગ્યે ઉતરાણ બાદ સીધાં જ ત્યાંથી  ગેનોમે વેલી ખાતે આવેલી રસી ઉત્પાદક કંપની ભારત બાયોટેકના યુનિટમાં પહોંચ્યા હતા. કંપનીના મૅનેજિંગ ડિરેક્ટર કૃષ્ણ એલ્લા તેમ જ વિજ્ઞાનીઓની ટીમની સાથે લૅબોરેટરીમાં ફરીને સ્વદેશી કોવૅક્સિન રસીની બધી માહિતી મેળવી હતી. બાદમાં ટવીટ કરીને  વડા પ્રધાને જણાવ્યું હતું કે ભારત બાયોટેક હૈદરાબાદમાં સ્વદેશી કો-વૅક્સિનની માહિતી લીધી હતી. અત્યાર સુધીની આ કંપનીની ટ્રાયલ અને પરિણામો બદલ વિજ્ઞાનીઓને અભિનંદન. આ કંપનીની ટીમ આઇસીએમઆર સાથે નજીકથી કામગીરી કરી રહી છે અને તેમાં સતત પ્રગતિ થઇ છે. આ વૅક્સિનનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે.
પુણે  : હૈદરાબાદથી લગભગ 3.20 વાગ્યે ઉડાન ભરીને મોદી સાડા ચાર વાગ્યે પુણે પહોંચ્યા હતા. પુણેથી 17 કિલોમીટર દૂર માંજરી ખાતે આવેલી સિરમ ઇન્સ્ટિટયૂટ અૉફ ઇન્ડિયા સુધી પહોંચવા મોદી હૅલિકોપ્ટરમાં સવાર થયા હતા. આ ઇન્સ્ટિટયૂટમાં પણ લૅબોરેટરીમાં ફરતી વખતે સીઇઓ અદિર પુનાવાલા અને તેમની વિજ્ઞાનીકો અને નિષ્ણાતોની ટીમ સાથે કલાકેક ચર્ચા ચાલી હતી. પુણેની આ સિરમ ઇન્સ્ટિટયૂટમાં અૉક્સફોર્ડ અને ઍસ્ટ્રાઝેનેકા સાથે મળીને કોરોના વૅક્સિન તૈયાર થઇ રહી છે. મોદીએ આ રસી અને તેની પ્રગતિ વિષયક માહિતી મેળવી હતી અને સાંજે છ વાગ્યે પુણેથી ફરીથી દિલ્હી જવા ઉડાન ભરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer