ઈરાનના ટોચના અણુ વિજ્ઞાનીની હત્યા

ઈરાનના ટોચના અણુ વિજ્ઞાનીની હત્યા
ઈઝરાયલનું કાવતરું હોવાની શંકાથી બદલો લેવાની ધમકી
તેહરાન, તા. 28 : ઈરાનના ચીફ ન્યૂકિલયર સાઈન્ટિસ્ટ મોહસિન ફખરીજાહેદની હત્યા કરવામાં આવતાં આખો દેશ ખળભળી ઉઠયો છે. એટલે સુધી કે દેશના સુપ્રીમ લીડર આયોતલ્લા અલ ખમનેઈના મિલિટ્રી એડવાઈઝર હોસેન દેહગાને આ હત્યાનો બદલો લેવાનું પ્રણ લીધુ છે. ફખરીજાહેદ તેહરાનમાં કારમાં જઈ રહયા હતા ત્યારે અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
ઈરાને ચેતવણી આપી છે કે જેણે પણ આ કૃત્યને અંજામ આપ્યો છે તેમના પર વીજળી બનીને કહેર વર્તાવવામાં આવશે. હવે સવાલ ઉઠયો છે કે મોહસિન ઈરાન માટે આટલા મહત્વના કેમ હતા કે ઈરાને અસહ્ય નુકસાન થયું છે ?
કારણ એ છે કે મોહસિનો પશ્ચિમી અને ઈઝરાયલી ગુપ્તચર એજન્સીઓ 2003માં બંધ કરવામાં આવેલા અણુ કાર્યક્રમ અમાદના સિક્રેટ લીડર માનતા હતા. ઈરાન પર આરોપ લાગતો આવ્યો છે કે તે બંધ કરાયેલ અણુ કાર્યક્રમને ફરી શરૂ કરવાના પ્રયાસમાં છે. જો કે ઈરાન અણુ ઉર્જાથી હથિયાર બનાવી રહયાની વાતથી ઈન્કાર કરતું આવ્યું છે. ઈરાને દાવો કર્યો હતો કે તે અણુ ઉર્જાનો ઉપયોગ શાંતિપૂર્ણ ઉદેશો માટે કરી રહયું છે. ફખરીજાહેદની કોઈ પબ્લિક પ્રોફાઈલ ન હતી. તેઓ ઈરાનના એક માત્ર અણુ વૈજ્ઞાનિક હતા જેમનું નામ આંતરરાષ્ટ્રીય એટોમિક એનર્જી એજન્સીની 2015ના અંતિમ મૂલ્યાંકનમાં સામેલ હતુ. 
એવું કહેવાય છે કે 2018માં ઈરાન પર અણુ હથિયાર બનાવવાનો આક્ષેપ લગાવતાં ઈઝરાયલે ફખરીજાહેદનો નામોલ્લેખ કર્યો હતો. ઈઝરાયલ ઈરાનને પોતાના માટે સંકટ માનતું આવ્યું છે. વડાપ્રધાન નેતન્યાહૂએ એકવાર કહયું હતુ કે આ નામને યાદ રાખજો, ફખરીજાહેદ. ત્યારથી અમેરિકા સાથે ઈઝરાયલ ઈરાનના અણુ કાર્યક્રમ અને ફખરીજાહેદ પર સતત નજર રાખતું આવ્યું છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer