ધમકીની ભાષામાં વાત કરતા રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : મહારાષ્ટ્ર સરકાર રાજ્યના ખેડૂતોની હાલત ઉપેક્ષા કરી રહી હોવાનો અને મરાઠા અનામતના મુદ્દે નિષ્ફળ ગઈ હોવાનો આરોપ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે શનિવારે ઉદ્ધવ ઠાકરેની સરકાર પર મુક્યો હતો.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને એક પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે રાજ્ય સરકાર ખેડૂતોને આર્થિક મદદ આપવામાં નિષ્ફળ ગઈ છે. તીડના હુમલામાં સોયાબીન અને કપાસનો પાક નષ્ટ થઈ ગયો હતો. આમ છતાં તેમને આર્થિક મદદ કરવામાં આવી નહોતી.
તેમણે કહ્યું હતું કે મરાઠા અનામતના મુદ્દે પણ સરકાર નિષ્ફળ ગઈ છે. પ્રધાનો સરકારની નિષ્ફળતાને ઢાંકવા જાણીજોઈને મરાઠા અનામતના મુદ્દે વિરોધાભાસી નિવેદનો કરી રહ્યા છે.
ફડણવીસે કહ્યું હતું કે વિપક્ષને ધમકી આપતા હોય એના ઉદ્ધવ ઠાકરે સિવાયના કોઈ મુખ્ય પ્રધાન મેં મહારાષ્ટ્રમાં જોયા નથી. સામનામાં તેમણે જે ઈન્ટવ્યું તાજેતરમાં આપ્યો હતો એ તેમના હોદ્દાને શોભતો નથી. સુપ્રીમ કોર્ટ (અર્ણબ કેસમા)અને હાઈ કોર્ટે (કંગના કેસમાં) તાજેતરમાં જે ચુકાદા આપ્યા છે એ રાજ્યમાં બંધારણીય કટોકટી સર્જાઈ હોવાની ચાડી ખાય છે.
મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની સરકારે શનિવારે સત્તામાં એક વર્ષ પૂર્ણ કર્યું એ નિમિતે દેવેન્દ્ર ફડણવીસ એક પત્રકાર પરિષદમાં બોલી રહ્યા હતા.
પત્નીની ટીકાના મુદ્દે ફડણવીસે મૌન તોડ્યું ફડણવીસે પત્ની અમૃતા ફડણવીસની થતી ટીકાના મુદ્દે શનિવારે મૌન તોડ્યું હતું.
અમૃતા ફડણવીસ સોશિયલ મીડિયા પર સક્રિય છે અને રાજકારણ વિશે પણ અવારનવાર ટિપ્પણી કરતા હોય છે. આને લીધે અનેકવાર તેમની ટીકા પણ થઈ છે. શનિવારે આ મુદ્દે દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી હતી.
`સામના'ને આપેલી મુલાકાતમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે અમારા પરિવારજનોને હેરાન કરાશે તે એ યાદ રાખવું જોઈએ કે તેમને પણ પરિવાર છે.
દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેની આ ગર્ભિત ધમકી વિશે બોલતાં કહ્યું હતું કે પરિવાર વિશે જે કંઈ બોલાઈ રહ્યું છે એ મુદ્દે મારે એટલું જ કહેવું છે કે અમે કોઈના પરિવારને ટાર્ગેટ કરતાં નથી. અમે ક્યારેય કોઈના ઘરના સભ્યોની ટીકા કરતા નથી. અમે સંયમ રાખીએ છીએ.
આ વિશે બોલવાનું થયું છે તો કહું કે આનો સૌથી મોટો ભોગ હું જ બન્યો છું. મારી પત્નીના સંદર્ભમાં શિવસેનાના અધિકૃત નેતા શું શું બોલે છે, લખે છે એની બધાને ખબર છે. જોકે હું એનો ઉહાપોહ મચાવતો નથી. હું રાજકારણમાં છું. હું જવાબનો જવાબ આપીશ.
મહા વિકાસ આઘાડી સરકાર તમામ મોરચે નિષ્ફળ : ફડણવીસ
