કોલસાનો ગેરકાયદે વેપાર અને ચોરી સંદર્ભે બંગાળ, બિહાર, ઉ.પ્ર.તેમ જ ઝારખંડમાં કાર્યવાહી
નવી દિલ્હી, તા. 28 : કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈની ટીમોએ શનિવારે ગેરકાયદે કોલસા ખનનનાં કૌભાંડના સંબંધમાં દેશના ચાર રાજ્યોમાં 40 સ્થળો પર દરોડા પાડતાં કૌભાંડી તત્ત્વોમાં ફફડાટ ફેલાયો હતો.
કોલસાના અવૈધ વેપાર અને ચોરીના મામલામાં સીબીઆઈની ટીમો પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં ત્રાટકી હતી.
અધિકારીઓના જણાવ્યાનુસાર, કોલસાના ગેરકાયદે વેપાર તેમજ તસ્કરીમાં સંડોવણી ધરાવતા લોકોના પરિસરો પર દરોડા પડાયા છે.
આ દરોડાની કાર્યવાહી એવા સમય પર થઈ છે, જ્યારે દેશના ગૃહપ્રધાન અમિત શાહ ખુદ કોલકાતામાં છે.
ઈસ્ટર્ન ફોલ્ફીલ્ડ્સ, રેલવેની સાથોસાથ સીઆઈએસએફ અધિકારીઓ સહિત અનેક પર કેસ પણ કરી દેવાયા છે.
આ દરોડાની કાર્યવાહી પ્રાથમિકરૂપે મમતાના વડપણવાળી સરકાર ધરાવતા પશ્ચિમ બંગાળ રાજ્યમાં હાથ ધરાઈ હતી અને તેનો સંબંધ સીબીઆઈ દ્વારા નોંધાયેલા એક નવા મામલા સાથે છે.
ચાર રાજ્યમાં 40 સ્થળે સીબીઆઈના દરોડા
