કોરોના રસીની કિલનિકલ ટ્રાયલ શું છે ?

કોરોના રસીની કિલનિકલ ટ્રાયલ શું છે ?
વડા પ્રધાન મોદી રસ લઇ રહ્યા છે એ 
`જન્મભૂમિ'એ નિષ્ણાતો પાસેથી મેળવી માહિતી
ભાર્ગવ પરીખ  તરફથી
અમદાવાદ, તા.28: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ સહીત ત્રણ સ્થળોએ કોરોનાની રસી બનાવવાની પ્રક્રિયાની મુલાકાત લીધી , કોરોનાની વેક્સીન બીજા તબક્કામાં સફળ ગઈ છે અને જેમના ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યા છે એની મુલાકાત લીધી છે . ત્યારે પહેલો સવાલ એ થાય કે ક્લિનિકલ ટ્રાયલ શું છે અને વડાપ્રધાન ખુદ આમાં કેમ રસ લઇ રહ્યા છે ? ત્યારે જન્મભૂમિએ નિષ્ણાત તબીબો પાસેથી આ જાણવા પ્રયાસ કર્યો .
જાણીતા તબીબ ડો. દિપક રાવલે આ અંગે કહ્યું કે કોઈપણ દવા અથવા રસી શોધાય તો એના ક્લિનિકલ ટ્રાયલ કરવાના હોય છે જે પાંચ તબક્કામાં થાય છે સરળ ભાષામાં કહીયે તો કોઈપણ દવા માણસ પર કેવી અસર કરશે એ જાણવા માટે એના પહેલા પ્રયોગો જાનવર પર થાય છે.
ડોક્ટર રાવલ કહે છે કે જાનવર પર પ્રયોગ કરતા પહેલા કોઈપણ અસાધ્ય રોગનો ટોક્સિસિટી ટેસ્ટ થાય છે. ટોક્સિસિટી ટેસ્ટ એટલે કે રોગ કેટલો ઝેરી છે અને અને એની શરીર પર શું અસર થાય છે, આ ટેસ્ટ સફળ થયા બાદ એન્ટીજન્ટ શોધવામાં આવે છે. એને ખાળવા માટે એક રસી બનાવવામાં આવે છે, જે ટ્રાયલ એન્ડ એરર જેવું હોય છે. એટલે કે એ માનવી પર સફળ જશે કે નહિ એની ખબર નથી હોતી એટલે એના પ્રયોગ જાનવર પર કરવામાં આવે છે .
કોરોનાની રસીના સંશોધનમાં પાંચ સારા પ્રોટીન એન્ટિજન મળ્યા પછી ચાર પ્રાણીઓ પર ઉંદર, સસલા, ગીનીપીગ અને માઇસ પર પ્રયોગ થયા. જેમાં આ પ્રાણીઓને પહેલા રસી ચામડીના ભાગ (ઇન્ટ્રા ડર્મલ) પર આપવામાં આવે છે પછી એ સ્નાયુમાં (ઇન્ટ્રા મસ્ક્યુલર) આપવામાં આવે છે અને એનું પરીક્ષણ કરવામાં આવે છે જો પરિણામ સારા મળે તો એન્ટિબોડી રિસ્પોન્સ જોવામાં આવે છે, 28 દિવસ સુધી આ પ્રયોગ ચાલે છે અને આ પ્રયોગના અંતે એક રસી તૈયાર કરવામાં આવે છે .
ક્લિનિકલ ટ્રાયલ વિષે વધુ વાત કરતા ડોક્ટર પરાગ ઠાકર કહે છે કે ઇન્ટ્રા ડર્મલ અને ઇન્ટ્રા મસ્ક્યુલરમાં રિસ્પોન્સ સારો મળતાં એને લોહી સાથે ભેળવીને ઇમ્યુન શક્તિ (પ્રતિકારાત્મ્યક શક્તિ) કેટલી વધે છે એ જોવામાં આવે છે. જો એ માનવ શરીરને હાનિકારક ના જણાય તો આ રસી સ્વસ્થ માણસમાં આપવામાં આવે છે જેને ક્લિનિકલ ટ્રાયલ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રયોગ અત્યારે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં 25 તારીખથી ચાલી રહ્યો છે, અને બીજી તરફ કેડિલા ઝાયડસમાં આ પ્રયોગ ચાલી રહ્યો છે, કેડિલામાં દેશના અલગ અલગ હિસ્સામાં 1000 લોકો પર આ પ્રયોગ થઇ રહ્યો છે અને સમાંતર રીતે સોલા સિવિલમાં 25 લોકો પર હૈદરાબાદની કંપનીની રસીનો પ્રયોગ થઇ રહ્યો છે. જેમાં દર મહિને 5 એમ.એલ. રસી આપવામાં આવશે અને એમની આડઅસરો છે કે નહિ એની તપાસ કરશે જેને ક્લિનિકલ ટ્રાયલ કહેવાય છે. આ સફળતા બાદ કોરોનાની રસી બહાર આવશે. આવા જ પ્રયોગ બાદ સ્વાઈન ફલૂની રસી બની હતી અને એ તત્કાલીન કેન્દ્રીય આરોગ્ય પ્રધાન પર એનો પહેલો પ્રયોગ થયો હતો .
આ અંગે કેડિલા ઝાયડસના સી.એમ.ડી.પંકજ પટેલનો સંપર્ક સાધતા એમને કહ્યું કે અમે લોકડાઉનના સમયથી રસી બનાવી રહ્યા છીએ, જેમાં બે તબક્કા સફળ થયા છે. દેશભરમાં 1000 જગ્યાએ અમારા ક્લિનિકલ ટ્રાયલ ચાલે છે ત્રીજો તબક્કો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના નિયમો પ્રમાણે સફળ પણ રહ્યો છે અને અમે સફળતાની ઘણી નજીક છીએ, પરંતુ આ અંગે ગોપનીયતા જાળવવાના નિયમ હોવાથી વધુ કંઈ કહી શકાય નહિ પણ અમે ઇમ્યુન શક્તિ પેદા કરવામાં ઘણા આગળ છીએ અને દેશની જનતાને અમે ઝડપથી સસ્તી રસી આપી શકીશું એવો અમારો વિશ્વાસ છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer