સિડની, તા. 29 : પહેલી વનડેમાં કારમી હાર બાદ ટીમ ઈન્ડિયાએ શ્રેણી જીવંત રાખવા માટે આવતી કાલે અહીં રમાનારી બીજી વનડે જીતવી પડશે અને એ માટે વિરાટસેનાએ લગભગ દરેક મોરચે દેખાવ સુધારવો પડશે. ભારતને વધારાના બોલરની ખોટ સાલી હતી ત્યારે બીજી મેચમાં બોલિંગમાં અમુક ફેરફાર કરાય તેવી શક્યતા છે. મેચ ભારતીય સમય મુજબ સવારે 9 વાગ્યે શરૂ થશે.
પહેલી વનડેમાં ભારત, આમ તો બે ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા અને હાર્દિક પંડયા સાથે ઉતર્યું હતું પણ હાર્દિક હાલ તે ફિટનેસના હિસાબે બોલિંગ કરી શકે એમ નથી. મેચમાં યજુવેન્દ્ર ચહલ અને નવદીપ સૈનીએ 20 ઓવરમાં 172 રન આપી દીધા. ચહલ ઈજાને કારણે પોતાનો સ્પેલ પૂરો કર્યા બાદ મેદાનથી બહાર ચાલ્યો ગયો હતો. તો સૈનીની પીઠમાં પણ સ્નાયુ ખેંચાઈ ગયા હતા ત્યારે આવતી કાલે તેમના સ્થાને કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરને તક અપાય તેવી સંભાવના છે. પહેલી વનડેમાં ભારતની ફિલ્ડીંગ કંગાળ રહી હતી અને બીજી વનડે જીતવા માટે ક્ષેત્રરક્ષણમાં પણ ખાસ્સો સુધારો કરવો પડશે.
ટીમને ટોચના બેટધર રોહિત શર્માની ખોટ સાલી હતી. તેના સ્થાને સમાવાયેલા પ્રતિભાશાળી મયંક અગ્રવાલે શરૂઆત તો સારી કરી હતી પણ મોટો સ્કોર કરી શક્યો નહીં ત્યારે અમુક નિષ્ણાતો વિકેટકીપર બેટધર કે. એલ.રાહુલ પાસે દાવની શરૂઆત કરાવવાની હિમાયત કરી રહ્યા છે. વિરાટ કોહલી પાસે પણ મોટા જુમલાની અપેક્ષા છે. પહેલી મેચ બાદ કપ્તાન વિરાટ કોહલીએ કબૂલ્યું હતું કે અમે હકારાત્મક રમવાની કોશિશ કરી હતી પણ છઠ્ઠા બોલરની કમીને લીધે જસપ્રીત બુમરાહ પર બહુ દબાણ આવી ગયું હતું અને આઈપીએલનું ફોર્મ તે પહેલી વનડેમાં બતાવી શક્યો નહીં.
બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમ બીજી વનડે પણ જીતીને શ્રેણી કબજે કરવાના ઈરાદે ઉતરશે. એરોન ફિન્ચ,સ્ટિવન સ્મિથ,ડેવિડ વોર્નર,ગ્લેન મેક્સવેલ ફોર્મમાં છે. જો કે,માર્કસ સ્ટોઈનિસના ખભામાં સ્નાયુ ખેંચાઈ જતાં કેમરૂન ગ્રીનને તક અપાય તેવી શક્યતા છે.
ભારત માટે આજે આર યા પારનો જંગ
