હાર બાદ કોહલી બોલરો પર ગુસ્સે

હાર બાદ કોહલી બોલરો પર ગુસ્સે
સિડની, તા. 28 : ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ભારતનો પ્રારંભ અત્યંત કંગાળ રહ્યો. સિડની ખાતે શુક્રવારે રમાયેલી પ્રથમ વન-ડે ક્રિકેટ મેચમાં ભારતનો પરાજય થયો. મેચ બાદ ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી ટીમના ફિલ્ડર અને બોલર પર ખૂબ ગુસ્સે ભરાયો હતો. તેમણે કહ્યું હતું કે અમને તૈયારી કરવા માટે પર્યાપ્ત સમય મળ્યો હતો. મને નથી લાગતું કે તમે એક ટીમ તરીકે રમી શકો, નહીં તો તેના માટે કોઈ બહાનું હોય. અત્યાર સુધી અમે ટી20 રમતા હતા. ઘણા સમય બાદ અમે વન-ડે રમી રહ્યા હતા પરંતુ અમારી પાસે વન-ડે રમવાનો બહોળો અનુભવ છે. 
ભારતીય કેપ્ટન અને વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેને ઉમેર્યું હતું કે 20-25 ઓવર બાદ અમારી બોડી લેંગ્વેજ નિરાશાજનક હતી. જો તમે ફિલ્ડિગમાં સતત ભૂલે કરતા રહેશો તો એક મોખરાની ટીમ તમને નુકસાન કરશે જ. અમારી હરીફ ટીમ મોખરાની ટીમ છે અને તેની સામે આવી ભૂલો હંમેશાં નુકસાનકર્તા હોય છે. બેટ્સમેનને પરેશાન કરવા માટે સૌથી મહત્વની બાબત છે સતત વિકેટો ખેરવતા રહેવું પરંતુ શુક્રવારની મેચમાં અમે આમ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. 
કોહલીએ વધુમાં ઉમેર્યુ હતું કે હવે પાર્ટ ટાઇમ બોલર પાસે થોડી ઓવર કરાવવા અંગે પણ ધ્યાન આપવું પડશે. કમનસીબે હાર્દિક પંડ્યા બાલિંગ કરી શકતો નથી. જે રીતે ઓસ્ટ્રેલિયા માટે માર્કસ સ્ટોઇનિસ અને ગ્લેન મેકસવેલ બાલિંગ કરે છે તેવા બોલરની અમારે જરૂર છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer