બીએસઈ અને જમ્મુ - કાશ્મીર વચ્ચે નાણાકીય જાગૃતિ અંગે સમજૂતી કરાર

બીએસઈ અને જમ્મુ - કાશ્મીર વચ્ચે નાણાકીય જાગૃતિ અંગે સમજૂતી કરાર
યુવાનોને સક્ષમ બનાવવા અમે શ્રેષ્ઠ ગ્લોબલ પદ્ધતિઓ અપનાવી રહ્યા છીએ : લેફ્. ગવર્નર મનોજ સિંહા
મુંબઈ, તા. 28 : એશિયાના સૌથી જૂના સ્ટોક એક્સચેન્જ બીએસઈએ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં મિશન યુથ હેઠળ નાણાકીય જાગૃતિ ફેલાવવા, આર્થિક વિકાસને ઉત્તેજન આપવા અને પર્યાવરણતરફી આજીવિકાને પ્રોત્સાહન આપવા જમ્મુ અને કાશ્મીર સરકાર સાથે સમજૂતી કરાર કર્યો છે. 
આ સમજૂતી કરાર પર બીએસઈના પ્રતિનિધિઓ અને મિશન યુથના સીઈઓ ડૉ. સઈદ અબીદ રશીદ શાહ દ્વારા લેફટનન્ટ ગવર્નર મનોજ સિંહાની ઉપસ્થિતિમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 
મિશન યુથ હેઠળ જમ્મુ અને કાશ્મીર સરકાર પ્રદેશમાં રોજગાર સર્જન માટેનું અનુકૂળ વાતાવરણ સર્જવા અને જરૂરી કૌશલની અછત પૂરવા સતત નીતિ અને વિધિ સંબંધિત ફેરફારો કરી રહી છે. 
આ પ્રસંગે બોલતાં લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર સરકાર  અને બીએસઈ વચ્ચેના આ સહકારથી પ્રદેશના યુવાનોને લાભ થશે. બીએસઈ ઈન્સ્ટિટ્યૂટ બૅન્કિંગ અને ફાઈનાન્સિયલ ટ્રાનિંગ ક્ષેત્રનું અગ્રણી નામ છે, જેના દ્વારા યુવાનો ફાઈનાન્સિયલ ક્ષેત્રની તાલીમ મેળવી રોજગાર પ્રાપ્ત કરવા માટે સક્ષમ બની શકશે. નાણાકીય જાગૃતિ ઉપરાંત અમે યુવાનોને સક્ષમ બનાવવાની શ્રેષ્ઠ ગ્લોબલ પ્રથાઓ અપનાવી રહ્યા છીએ, એમ લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું હતું. 
આ પ્રસંગે બીએસઈના એમડી અને સીઈઓ આશિષકુમારે કહ્યું કે બીએસઈનું મિશન યુથ સાથેનું જોડાણ પ્રદેશના યુવા વર્ગને નાણાકીય વિશ્વ સંબંધિત તાલીમ પૂરી પાડી બૅન્કિંગ, ફાઈનાન્સિયલ સર્વિસ અને ઈન્સ્યુરન્સ ક્ષેત્રે જરૂરી કૌશલ વિકસાવશે. 
મિશન યુથના સીઈઓ ડૉ. સઈદ અબીદ રશીદ શાહે કહ્યું કે આ જોડાણ મારફત પાત્ર ઉમેદવારો નાણાકીય જાગૃતિ કાર્યક્રમોમાં સામેલ થઈ શકશે, બૅન્કિંગ અને ફાઈનાન્સિયલ માર્કેટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સના સ્પેશિયલાઈઝ્ડ પ્રોગ્રામ્સમાં પણ યુવાનો જોડાઈ શકશે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer