સરકારને એક વર્ષ પૂર્ણ થતાં મુખ્ય પ્રધાનના વિપક્ષ પર પ્રહાર
મુંબઈ, તા. 28 : મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી સરકારનો એક વર્ષનો કાર્યકાળ પૂરો થવા પર મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ એક ખાસ મુલાકાતમાં ભાજપ પર પ્રહારો કરતાં કહયું કે ભાજપની રાજનીતિ હવે વિકૃત બની ગઈ છે અને તેની સાથે હવે યુતિ થશે નહીં.
ઠાકરેએ જણાવ્યું હતું કે ભાજપ સાથે અમે લાંબો સમય યુતિ કરી, પરંતુ અમે ક્યારેય પણ સંસ્કૃતિની વિરુદ્ધ જઈને રાજનીતિ કરી નથી. ભાજપે શિવસેના સાથે જે ર્ક્યું તે સંસ્કૃતિને અનુરૂપ નથી. હિન્દુત્વના મુદ્દે અમે આજે પણ એટલા જ પ્રખર છીએ પરંતુ ભાજપ જે રીતે રાજનીતિ કરે છે તે સ્વીકાર્ય નથી.
તેમણે કહ્યું કે આઝાદી બાદ પ્રાન્ત રચના ભાષાના આધારે થઈ હતી પરંતુ છેલ્લા પાંચ-છ વર્ષમાં પક્ષોના આધારે રાજ્યો-રાજ્યોમાં વિભાજન કરવામાં આવી રહ્યું છે. પક્ષોના આધારે મહારાષ્ટ્રની સાથે જે વિકૃત રાજનીતિ કરવામાં આવી રહી છે તેને રાજ્યના લોકો ખુલ્લી આંખોથી જોઈ રહ્યા છે.
ઠાકરેએ જણાવ્યું હતું કે મારું હિન્દુત્વ વિકૃત નથી. મેં ક્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે અમિત શાહ કે તેમના પરિવારના કોઈ સભ્ય પર અંગત અને ખોટા આક્ષેપો કર્યા નથી.
ભાજપના નેતાઓ મહાવિકાસ આઘાડી સરકારની એકતાથી હતાશ છે. તેઓ સરકાર પડવાની તારીખો એટલા માટે જાહેર કરતા રહે છે કેમકે તેમના ધારાસભ્યોને તેઓ એક રાખી શકે એમ ઠાકરેએ જણાવ્યું હતું.
ભાજપનું રાજકારણ વિકૃત બન્યું; હવે યુતિ નહીં : ઉદ્ધવ ઠાકરે
