કોરોનામુક્ત થયેલાંઓમાં ન્યૂમોનિયા અને તાવના લક્ષણોથી ચિંતા

કોરોનામુક્ત થયેલાંઓમાં ન્યૂમોનિયા અને તાવના લક્ષણોથી ચિંતા
મુંબઈ, તા. 28 : કોવિડ સંક્રમણથી મુક્ત થયેલા કેટલાક દર્દીઓમાં ન્યૂમોનિયા, હળવા તાવની તકલીફો જોવા મળી છે. અતિશય થાક, હાંફ ચડવી, શ્વાસ લેવામાં તકલીફ સાથે માનસિક અસ્વસ્થતા અને શરીરમાં દુખાવો, કળતર જેવી ફરિયાદો કોરોનામુક્ત થયા પછી પણ દસથી બાર દિવસ રહેતી હોવાનું તબીબોના ધ્યાનમાં આવ્યું છે.
હૉસ્પિટલથી ઘરે આવ્યાના બે મહિના પછી પણ આ તકલીફો થતી હોવાથી દર્દીઓએ ધ્યાન રાખવાની જરૂર હોવાનું તજજ્ઞોએ જણાવ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓને ઉપચાર બાદ નેગેટિવ થયા પછી સંક્રમણની શક્યતાને કારણે કોરોના ઉપચાર કેન્દ્રમાં વધુ સમય રાખી શકાય નહીં. તેમને કોવિડ સિવાયની હૉસ્પિટલમાં લઈ જવાનો પર્યાય પરિવારજનોને આપવામાં આવે છે. ડૉ. આર. એસ. બોંડેએ જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓમાં ફેફસાંમાં સંક્રમણનું પ્રમાણ વધુ હોય છે. તેમના ફેફસાંમાં નિર્માણ થયેલા વ્રણ ભરાવા માટે લાંબો સમય લાગે છે. અનેક દર્દીઓને એકથી દોઢ મહિનો ઉપચાર કરવો પડે છે. કોવિડ બાદ ઓપીડીમાં આવતા દર્દીઓમાં પણ આ પ્રકારની તકલીફ ઉદ્ભવતી હોવાનું જોવા મળ્યું છે. વાતાવરણમાં ફેરફારને લીધે પણ ઓછી રોગપ્રતિકારશક્તિ ધરાવતા દર્દીઓ સંક્રમિત થઈ શકે છે. તેથી કોરોનાથી મુક્ત થયેલા દર્દીઓએ શારીરિક તકલીફ તરફ દુર્લક્ષ કરવું નહીં. 
કોવિડના ઉપચાર માટે જમ્બો સેન્ટરમાં દાખલ થયેલા કેટલાક વરિષ્ઠ નાગરિકોમાં અૉક્સિજનનું સ્તર અત્યંત ઓછું થયું હોવાનું જોવા મળ્યું છે. કોરોનામુક્ત થયા બાદ પણ તેમને અૉક્સિજનની જરૂર રહે છે. સંક્રમણની શક્યતાને લીધે તેમને કોવિડ ઉપચાર કેન્દ્રમાં વધુ સમય રાખી શકાય નહીં. ન્યૂમોનિયા, હળવો તાવ, શરીરમાં કળતર વગેરે ફરિયાદો તેમણે પણ કરી છે. વય વધુ હોવાથી તેમના હાડકાં પણ નબળાં પડી ગયા હોય છે.  કેટલાક કોરોનામુક્ત દર્દીઓને ઘરે મોકલાયા બાદ અૉક્સિજનનું સ્તર ઘટી જતાં અઠવાડિયામાં જ આઈસીયુમાં દાખલ કરવા પડયા છે. આ દર્દીઓમાં ફેફસાંની તકલીફો-ફાઈબ્રોસિસથી ન્યૂમોનિયા જેવા લક્ષણો જોવા મળ્યા છે. ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો તરફ દુર્લક્ષ નહીં કરવાની સલાહ આપવામાં આવી છે. ઉપચાર દરમિયાન મહિલાઓમાં આ તકલીફ વધુ હોવાનું જાણવા મળ્યું છે. મહિલાઓને સંક્રમણ થયાનું પ્રમાણ પુરુષોની તુલનામાં ઓછું છે. ગર્ભાશયના રોગ, હૃદયરોગ, પ્રજનનતંત્ર સંબંધિત રોગ ધરાવતી મહિલાઓમાં પણ કોરોના સંક્રમણ થયું હોવાનું જોવા મળ્યું છે.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer