ઓલા, ઉબર જેવી કંપનીઓ મનમાન્યું ભાડું વસૂલી નહીં શકે

મુંબઈ, તા. 28 : ઓલા અને ઉબર જેવી કેબ ઍગ્રીગેટર કંપનીઓ હવે મૂળ ભાડાના દોઢ ગણાં કરતાં વધુ ભાડું વસૂલ નહીં કરી શકે. આ કંપનીઓ પીક અવર્સ દરમિયાન ભાડામાં અનેક ગણો વધારો કરી દેતી હોય છે. પરંતુ સરકારે હવે આ કંપનીઓ પર લગામ કસી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા સવારી સેવાઓને નિયંત્રિત કરવા માટે જાહેર કરેલી `મોટર વેહિકલ એગ્રીગેટર ગાઈડલાઈન્સ 2020' મુજબ આ કંપનીઓ હવે પીક અવર્સ દરમિયાન મૂળ ભાડા કરતાં દોઢ ગણાથી વધુ ભાડું વસૂલ નહીં કરી શકે અને નોન પીક અવર્સ દરમિયાન મૂળ ભાડા કરતાં પચાસ ટકાથી ઓછું ભાડું વસૂલ નહીં કરી શકે. 
કમર્શિયલ કાર પુલિંગ પ્લેટફોર્મ્સએ પણ નિયમોનું પાલન કરવું પડશે અને લાઈસન્સ લેવું પડશે. ગાઈડલાઈન્સ મુજબ પર્સનલ પેસેન્જર વેહિકલ્સ, એગ્રીગેટર્સ સાથે જોડાઈ શકે છે. પરંતુ આવા વાહનોને શહેરની અંદર દિવસમાં ફક્ત બે વાર પ્રવાસીઓને લઈ જવાની અને શહેરની બહાર અઠવાડિયામાં ફક્ત બે વાર જવાની અનુમતિ હશે. રાજ્ય સરકારો દ્વારા સૂચના આપ્યા બાદ જ આ નિયમો લાગુ થશે.
ગાઈડલાઈન્સ મુજબ મૂળ લઘુત્તમ ભાડું ઓછામાં ઓછું ત્રણ કિલોમીટર માટે હશે. એગ્રીગેટર કંપની ચાર્જેબલ ભાડાના ફક્ત 20 ટકા ભાડું લઈ શકશે અને બાકીનું 80 ટકા ભાડું ડ્રાઈવરને ચુકવવું પડશે. ઓલા-ઉબરનું ભાડું કાળી-પીળી ટેક્સીના ત્રણ કિલોમીટરના ભાડા જેટલું હશે જે વર્તમાનમાં 44 રૂપિયા છે. ઍપ પર ચાલતી કારને ભાડામાં વધારો કરવાની અનુમતિ છે. પરંતુ એ મૂળ ભાડા કરતાં 1.5 ગણું વધુ ભાડું અથવા મહત્તમ 66 રૂપિયા હશે. નોન પીક અવર્સ દરમિયાન ભાડું ઘટાડીને  મૂળ ભાડાના પચાસ ટકા જેટલું અથવા ઓછામાં ઓછું બાવીસ રૂપિયા કરી શકશે. 
મહિલા પ્રવાસીઓને ફક્ત મહિલા પ્રવાસી સાથે પ્રવાસ કરવા માટેનો પર્યાય કેબ હેલિંગ ઍપમાં ઉપલબ્ધ કરવો પડશે. ઉચિત કારણ વગર સવારી કેન્સલ કરવામાં આવશે તો ડ્રાઈવર અને પ્રવાસી બંને માટે કેન્સલેશન ફી કુલ ભાડાના 10 ટકા જેટલી અને 100 રૂપિયા કરતાં વધુ નહીં હોય.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer