21મા દિવસે 50 હજારથી ઓછા કેસ; કુલ 1.36 લાખનાં મૃત્યુ
નવી દિલ્હી, તા. 28 : દુનિયાભરમાં 6.16 કરોડથી વધુ લોકોને સંક્રમિત કરવા સાથે 14.46 લાખથી વધુ લોકોનો ભોગ લઇ ચૂકેલા કોરોનાનો કહેર ભારતનેય પજવી રહ્યો છે. જોકે, દેશમાં શનિવારે સળંગ 21મા દિવસે 50 હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા હતા.
છેલ્લા 24 કલાકમાં 41,322 વ્યક્તિ સંક્રમિત થતાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 93.51 લાખને પાર કરી 93,51,109 પર પહોંચી ગઇ છે.
ભારતમાં શનિવારે વધુ 485 સંક્રમિતોને કાળમુખો ભરખી જતાં જીવલેણ વાયરસનાં સંક્રમણમાં સપડાઇને દેશમાં કુલ્લ 1,36,200 દર્દી જીવ ખોઇ ચૂકયા છે. કોરોનાથી મૃત્યુ દર 1.46 ટકા છે.
બીજીતરફ, દેશના વિવિધ ભાગોમાં છેલ્લા 24 કલાકમાં 41,452 એટલે કે, નવા કેસ કરતાં થોડાક વધુ સંક્રમિતો ઘાતક વાયરસ સામે જંગ જીતી ગયા છે.
આમ, દેશમાં કુલ્લ 87,59,969 દર્દીઓ કોરોના મુક્ત થઇ જતાં દર્દીઓ સાજા થવાનો દર એટલે કે, રિકવરી રેટ 93.68 ટકા થયો છે.
વિતેલા લગાતાર ત્રણ દિવસ દરમ્યાન વધારા બાદ શનિવારે સક્રિય કેસની સંખ્યા ઘટી હતી અને દેશમાં કુલ્લ 4, 54, 940 દર્દી સારવાર હેઠળ છે. દેશમાં સક્રિય કેસોનું પ્રમાણ 4.87 ટકા છે.
ભારતમાં અત્યાર સુધીમાં કુલ્લ 13.82 કરોડ ટેસ્ટ થઇ ચૂકયા છે. આજે સૌથી વધુ 98 મોત દિલ્હીમાં થયાં હતાં. કુલ્લ 46,898 મોત સાથે મહારાષ્ટ્ર મોખરે છે.