આંદોલનકારીઓને સરકાર પર વિશ્વાસ નથી?
નવી દિલ્હી, તા. 28 : કેન્દ્રના કૃષિ કાયદાઓના વિરોધમાં દિલ્હી કૂચ માટે ધસી આવેલા અને દિલ્હી-હરિયાણા સિંધુ સીમાએ પહોંચેલા કિસાનોએ આગળ ન વધવા અને અહીંથી જ પોતાનું વિરોધ પ્રદર્શન જારી રાખવાનું એલાન કર્યું હતું. દરમ્યાન ઉત્તરપ્રદેશથી પણ કિસાનો પોતાનાં વાહનો સાથે ગાઝીપુર સરહદે પહોંચી આવ્યા હતા અને પંજાબનાં આંદોલન કરી રહેલા કિસાનોને પોતાનું સમર્થન જારી કર્યું હતું.
કિસાનોનો સૂર એવો છે કે, કેન્દ્ર સરકાર પર તેમને વિશ્વાસ નથી અને સરકાર પહેલાં ખેડૂત વિરોધી કાયદો પાછો?ખેંચે. દરમ્યાન, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે આંદોલનને લઇને હાથ ઊંચા કરતાં કહ્યું હતું કે, આ અમારા રાજ્યના કિસાનો નથી. દેખાવો માટે પંજાબ જવાબદાર છે ત્યારે પંજાબના સી. એમ. અમરિન્દરસિંહે ખટ્ટર સામે નારાજી દર્શાવીને કહ્યું હતું કે, આવો ખોટો વ્યવહાર પસંદ નથી. હું તેમનો ફોન પણ ઉઠાવીશ નહીં.
દિલ્હી-હરિયાણા સિંધુ સરહદે કિસાનોએ એક બેઠક કરી હતી જેના પછી ભારતીય કિસાન યુનિયન પંજાબના મહામંત્રી હરીંદરસિંહે જણાવ્યું હતું કે અમે નિર્ણય કર્યો હતો કે અમે અહીંથી હવે ક્યાંય જશું નહીં અને પોતાના વિરોધ દેખાવો કરશું. રોજ સવારે 11 વાગ્યે અમે બેઠક કરીને અમારી રણનીતિ પર ચર્ચા કરશું. ગાઝીપુર સરહદે પહોંચી આવેલા કિસાનો સાથે રહેલા ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે સલાહ મસલત બાદ અહીંથી આગળ વધશું. ત્યાં સુધી અહીં જ રહેશું.