વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 28 : આવનારા નવા સપ્તાહમાં નિફ્ટી તેનું સ્થાન મજબૂત બનાવવા પ્રયત્નશીલ રહેશે. ગત સપ્તાહમાં વિદેશી ફંડ્સના ભારે રોકાણ સાથે બૅન્ક્સ, ફાઇનાન્સિયલ સર્વિસીસ અને અૉટો ક્ષેત્રોએ પણ નક્કર તેજીનો માહોલ જોયો હતો. નિફ્ટીએ 13,000નું મનોવૈજ્ઞાનિક સ્તર પાર કર્યું તો ખરું પણ ત્યાં ટકી રહેવામાં તેને નિષ્ફળતા મળી હતી.
તાજેતરના કરેકશનમાં નિફ્ટીએ 12,700નું સ્તર ટકાવી રાખ્યું હતું અને તે તરત ત્યાંથી વધીને આગળ વધ્યો હતો.
પાછલા અમુક સત્રમાં નિફ્ટીએ 13000નું સ્તર પાર કરવા ઘણી કોશિશ કરી હતી. હવે જો નિફ્ટી ફરી તેનું સર્વોચ્ચ 13,146નું લેવલ પાર કરે તો ત્યાંથી તે આગળ વધશે, એમ યસ સિક્યુરિટીઝના લીડ ટેક્નિકલ એનાલિસ્ટ પ્રિતેશ મહેતા જણાવે છે.
નિફ્ટીને ઊંચા સ્તરે અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે. ટેકાના સ્તરને સતત જાળવીને નિફ્ટી આગળ વધવા મથી રહ્યો છે. નિફ્ટીએ સકારાત્મક રિવર્સલ પેટર્ન તૈયાર કરી છે.
નિફ્ટી અૉવરબોટ પોઝિશન આવે ત્યારે પ્રતિકારનો સામનો કરી રહ્યો છે અને આગળ વધવામાં સમય લઈ રહ્યો છે, નિફ્ટી તેજીથી દૂર થઈ નિષ્પક્ષ સ્થિતિ તરફ કૂચ કરી રહ્યો છે. તે કારણે શૅર્સમાં આવશ્યક કરેક્શન જોવા મળી રહ્યા છે.
પાછલા અમુક સત્રોની સમીક્ષા કરવામાં આવે તો એક વાત સ્પષ્ટ થશે કે હવે સમય ઇન્ડેક્સની પાર જોવાનો આવી ગયો છે. નિફ્ટી મિડ કેપ 100/ નિફ્ટી બેઝિંગ પેટર્ન દર્શાવે છે. નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સ ગત સપ્તાહમાં ચાર ટકા જેટલો વધ્યો હતો અને મુખ્ય ઇન્ડેક્સથી વિશેષ વધ્યો હતો.
નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 2.5 ટકા વધ્યો છે. અહીં તેને નીચલા સ્તરે ટેકો મળ્યો હોવાથી આગળ વધવામાં તેને મદદ મળી રહી છે.
સેમકો ગ્રુપના રિસર્ચ હેડ ઉમેશ મહેતાનું માનવું છે કે બીજા ત્રિમાસિક ગાળાના સકારાત્મક પરિણામોની અસરે શૅરબજારો નવા સપ્તાહમાં આગળ વધશે. કોરોના વૅક્સિનમાં થઈ રહેલી પ્રગતિની પણ બજારો ઉપર અસર જોવા મળશે.
આ મહિનામાં અત્યાર સુધીમાં 6.7 અબજ યુએસ ડૉલરનું વિદેશી રોકાણ ઇક્વિટી માર્કેટમાં થયું છે જે માસિક ધોરણે સૌથી વધુ છે. જપાન અને દક્ષિણ કોરિયા પછી ભારત એશિયામાં વિદેશી રોકાણ માટે સૌથી લોકપ્રિય રાષ્ટ્ર હોવાનું ઉમેશ મહેતાએ જણાવ્યું હતું.