એમસીએક્સમાં કૉટન વાયદાના સેંકડા ઘટયા

બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ : ક્રૂડ તેલમાં ઉછાળો
મુંબઈ, તા. 28 : કૉમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટિ કૉમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર 20થી 26 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવ તૂટ્યા હતા, જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડતેલ અને નેચરલ ગૅસમાં ઉછાળો હતો. કૃષિ કૉમોડિટીઝમાં સપ્તાહ દરમિયાન, સીપીઓમાં રૂા.796.93 કરોડનાં 9,042 લોટ્સનું રેકર્ડ ટર્નઓવર નોંધાયું હતું. કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો, જ્યારે કૉટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા. 
દરમિયાન, કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો ડિસેમ્બર વાયદો 15,372ના સ્તરે ખૂલી, ઊંચામાં 15,549 અને નીચામાં 14,870ના સ્તરને સ્પર્શી સપ્તાહ દરમિયાન 679 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 418 પોઈન્ટ (2.72 ટકા) ઘટી 14,929ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 13,105ના સ્તરે ખૂલી, ઊંચામાં 13,559 અને નીચામાં 13,105 બોલાઈ, સપ્તાહ દરમિયાન 454 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 236 પોઈન્ટ (1.81 ટકા) વધીને 13,302ના સ્તરે બંધ થયો હતો. 
કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂા.50,041ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂા.50,435 અને નીચામાં રૂ.48,390ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂા.1,475 (2.95 ટકા)ના ભાવઘટાડા સાથે રૂા.48,517ના સ્તરે બંધ થયો હતો. 
ગોલ્ડ-ગિનીનો ડિસેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂા.40,445 ખૂલી, સપ્તાહના અંતે રૂા.1,216 (3.01 ટકા)ના ઘટાડા સાથે રૂા.39,142 થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ડિસેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂા.5,072 ખૂલી, સપ્તાહના અંતે રૂા.160 (3.16 ટકા) ઘટી બંધમાં રૂા.4,907ના ભાવ થયા હતા.  
સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂા.50,100 ખૂલી, સપ્તાહ દરમિયાન ઉપરમાં રૂા.50,491 અને નીચામાં રૂા.48,486 સુધી જઈ સપ્તાહના અંતે રૂા.1,466 (2.93 ટકા) ઘટી બંધમાં રૂા.48,597ના ભાવ થયા હતા. 
ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂા.61,610 ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂા.62,750 અને નીચામાં રૂા.58,827ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂા.1,637 (2.66 ટકા)ના ભાવઘટાડા સાથે રૂા.59,873ના સ્તરે બંધ થયો હતો.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer