સંજય રાઉતનો પ્રશ્ન : બધાની કુંડળી મારી પાસે છે, એવું ફડણવીસનું નિવેદન ધમકી નહોતું ?

મુંબઈ,  તા. 28 : રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારને એક વરસ પૂરું થતાં ભાજપ દ્વારા સરકારના કામની પોલખોલ કરવામાં આવી. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે પત્રકાર પરિષદ બોલાવી મુખ્ય પ્રધાન પર જોરદાર હુમલો કર્યો હતો. હાથ ધોઈને પાછળ પડી જનાર ઉદ્ધવ ઠાકરે જેવા ધમકાવનારા મુખ્ય પ્રધાન મહારાષ્ટ્રએ અત્યાર સુધીના ઇતિહાસમાં જોયા નથી. ઉદ્ધવ ઠાકરેએ કરેલા નિવેદનો મુખ્ય પ્રધાનની ખુરશીને શોભતા નથી, એવી ટીકા દેવેન્દ્ર ફડણવીસે કરી હતી. ફડણવીસની ટીકા બાદ શિવસેનાના નેતા સંજય રાઉતે પણ વળતો જવાબ આપ્યો છે.
સંજય રાઉતે કહ્યું કે, દેવેન્દ્ર ફડણવીસની પત્રકાર પરિષદ જોઈ. વિરોધ પક્ષે તેમની પદ્ધતિએ આજનો દિવસ ઊજવ્યો. તેમની ભાવનાનો આદર કરું છું, એમ સંજય રાઉતે કહ્યું હતું. એ સાથે દેવેન્દ્ર ફડણવીસ જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારનું તેમનું એક નિવેદન અૉન રેકર્ડ છે. દેવેન્દ્ર ફડણવીસે બધાની કુંડળી મારી પાસે છે, એવું  જણાવ્યું હતું. વિરોધ કરનારાઓની કુંડળી તમે પાસે રાખી હતી, એ કઈ ભાષા હતી એવો સવાલ સંજય રાઉતે ઉપસ્થિત કર્યો હતો.
દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની કરેલી માગણીની ટીકા કરતા સંજય રાઉતે કહ્યું કે ભાજપ કેવો દાખલો બેસાડવા માગે છે?
શુક્રવારે બૉમ્બે હાઈ કોર્ટે કંગના રાણાવત મામલે આપેલા ચુકાદા અંગે ટિપ્પણી કરતા સંજય રાઉતે કહ્યું હતું કે, રાણાવના બંગલામાં જો બાંધકામ ગેરકાયદે હોય તો એની તોડફોડ ગેરકાયદે કેવી રીતે કહી શકાય?
સંજય રાઉતને જ્યારે પૂછવામાં આવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટયુટની મુલાકાત લીધી ત્યારે ઠાકરે સાથે કેમ ન ગયા? પ્રશ્નના જવાબમાં સંજય રાઉતે કહ્યું કે, આશ્ચર્યની વાત એ છે કે ભાજપને જાણ નથી કે વડા પ્રધાન કાર્યાલયે મુલાકાત દરમિયાન કોઈ અધિકૃત પ્રોટોકોલની જરૂર ન હોવાનું જણાવ્યું હતું.
જો નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીનો ઉપયોગ નેતાઓ સામે કરાતો હશે તો સેના ઝૂકશે નહીં, રાજ્ય સરકાર પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છે. જેઓ આવા કાવાદાવા કરી રહ્યા છે તેમણે સમજવું જોઇએ. આ બધું લાંબો સમય ચાલી શકે નહીં.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer