મુંબઈ, તા. 28 : કંગના રાણાવતની અૉફિસ પર કરાયેલી કાર્યવાહી હાઈ કોર્ટે ગેરકાયદે ઠેરવ્યા બાદ ભાજપે સરકાર વિરુદ્ધ આક્રમક ભૂમિકા અપનાવી હતી. તો દેવેન્દ્ર ફડણવીસે પણ આ મામલે સરકારની ટીકા કરતા સંજય રાઉતે એનો જવાબ આપતા કહ્યું હતું કે, કોર્ટના એક આદેશને પગલે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાતું હોય તો તેમણે એવી માગણી કરી નવો ચીલો ચાતરવો જોઇએ, એવો ટોણો સંજય રાઉતે ભાજપના નેતાને માર્યો હતો.
કંગના રાણાવત અને અર્ણબ ગોસ્વામી મામલે સરકારી યંત્રણાનો દૂરુપયોગ થયો હોવાના દેવેન્દ્ર ફડણવીસના આક્ષેપનો જવાબ આપતા સંજય રાઉતે કહ્યું હતું કે, ગેરકાયદે બાંધકામ તોડયું એ વિષય રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનો છે ? કે મરાઠી ઉદ્યોગપતિની આત્મહત્યામાં દોષી વ્યક્તિની પોલીસે ધરપકડ કરી એટલે રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું જો કોઈ કહેતું હોય તો તેમને કાયદાની જાણકારી મેળવવાની જરૂર છે, એવી ટીકા સંજય રાઉતે કરી હતી. ઉપરાંત આ બંને પ્રકરણમાં સત્તાનો અને યંત્રણાનો દૂરુપયોગ થયો જ નથી. સત્તાનો દૂરુપયોગ કોણ કરી રહ્યું છે એની બધાને જાણ છે.