પાકિસ્તાનને આતંકવાદ બંધ કરવા ભારતની ચેતવણી

પાકિસ્તાનને આતંકવાદ બંધ કરવા ભારતની ચેતવણી
નવી દિલ્હી, તા. 21 : નગરોટામાં હુમલો કરનાર ચાર જૈશ આતંકીઓને ભારતીય સેનાએ ઢેર કર્યા બાદ આકરું વલણ અપનાવતાં ભારતે પાકિસ્તાન સામે લાલઆંખ કરી છે.
નગરોટા આતંકવાદી હુમલા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમીક્ષા બેઠક બોલાવ્યાના બીજા જ દિવસે શનિવારે ભારતે પાકિસ્તાની દૂતાવાસના પ્રભારીને બોલાવતાં પાકને આતંકવાદની પડખે રહેવાનું બંધ કરે તેવી ચેતવણી આપી હતી.
ભારતના વિદેશ મંત્રાલયે શનિવારની સવારે પાક દૂતાવાસના પ્રભારીને બોલાવીને નગરોટા હુમલામાં આતંકવાદીઓ સાથે પાકિસ્તાનની મિલીભગત સામે વિરોધ નોંધાવ્યો હતો.
વિદેશ મંત્રાલયે પાકિસ્તાની પ્રભારીને એક `પ્રોટેસ્ટ નોટ' એટલે કે, `વિરોધનોંધ' પણ આપી હતી, જેમાં જૈશ-એ-મોહમ્મદ દ્વારા પાકની મદદથી હુમલાનો વિરોધ કરાયો હતો.
ભારતે આતંકપરસ્ત પાકને ખુલ્લી ચેતવણી આપતાં કહ્યું હતું કે, ભારત પોતાની જમીનની રક્ષા માટે તમામ ઉપાયો કરવાની તાકાત ધરાવે છે.
બીજી તરફ, ભારતીય નૌકાદળે પણ પાકને કડક ચેતવણી આપી છે. વાઈસ એડમિરલ પવારે જણાવ્યું હતું કે, સમુદ્ર માર્ગે પાક પ્રેરિત આતંકી હુમલાના પલટવાર માટે નૌકાદળ સજ્જ છે. ઉલ્લેખનીય છે કે, નગરોટા હુમલામાં ઠાર મરાયેલા ચારેય આતંકવાદી પાસેથી પાકિસ્તાની કંપનીના મોબાઈલ મળ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer