ડ્રગ્સ કેસમાં કૉમેડિયન ભારતી સિંહની ધરપકડ

ડ્રગ્સ કેસમાં કૉમેડિયન ભારતી સિંહની ધરપકડ
પતિ સાથે ગાંજો લેતી હોવાની કબુલાત
મુંબઈ, તા. 21 : બૉલીવૂડમાં ડ્રગ્સ કનેક્શન બહાર આવ્યા બાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) સતત કાર્યવાહી કરી રહી છે. અત્યાર સુધીમાં અનેક સેલેબ્સ એનસીબીના સકંજામાં આવી ચુક્યા છે. એનસીબીની ટીમે શનિવારે સવારે જાણીતી કૉમેડિયન ભારતી સિંહ અને એના પતિ હર્ષ લિંબાચિયાના ઘર પર છાપો માર્યો હતો. એનસીબીએ ભારતી સિંહના પ્રોડક્શન હાઉ પર પણ છાપો માર્યો હતો. બંને જગ્યાએથી કુલ 86.5 ગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો. ભારતી અને હર્ષે ગાંજાનું સેવન કરતા હોવાની કબુલાત કરી છે. દરમિયાન ભારતીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે હર્ષની પૂછપરછ ચાલી રહી છે. 
ઉલ્લેખનીય છે કે ભારતી સિંહ અને હર્ષ લિંબચિયાના ઘરે કલાકો સુધી તલાશી લીધા બાદ એનસીબીની ટીમ ભારતી અને હર્ષને એમની સાથે લઈ ગઈ હતી. ભારતીની સાથે હર્ષને સમન મોકલવામાં આવ્યું હતું. એનસીબી, મુંબઈના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેએ જણાવ્યું કે, ભારતી અને એના પતિ હર્ષની ડ્રગ્સ રાખવાના મામલે પૂછપરછ માટે અટક કરાઈ છે. ડ્રગ પેડલરે આપેલી જાણકારી બાદ આજે દરોડો પાડવામાં આવ્યો હતો. 
સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ બૉલીવૂડ સાથે સંકળાયેલા ડ્રગ્સના કેસમાં અનેક ચોંકાવનારા નામો બહાર આવ્યા છે, જેમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીથી શરૂઆત થયા બાદ દીપિકા પદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર, દિયા મિર્ઝા, નમ્રતા શિરોડકર, સિમોન ખંબાટા, રકુલ પ્રીત સિંહ, અર્જુન રામપાલની પાર્ટનર ગેબ્રિયેલા ડેમેટ્રિએડ્સ જેવા અનેક નામો સામેલ છે. 
કોણ છે ભારતી સિંહ? 
ભારતી સિંહ એક પ્રસિદ્ધ કૉમેડિયન છે. 2008માં ધ ગ્રૅન્ડ ઇન્ડિયન કૉમેડી શો કોન્ટેસ્ટ દ્વારા ભારતીએ એની કરિયરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ તેણે કૉમેડી સર્કસ, કૉમેડી સર્કસ કે સુપરસ્ટાર, કૉમેડી સર્કસ કા જાદુ જેવા અનેક સ્ટેન્ડ-અપ કૉમેડી શો દ્વારા દર્શકોનું મનોરંજન કર્યું. ઉપરાંત એ એફઆઈઆર, બિગ બૉસ. અદાલત, ખિલાડી 786, સનમ રે જેવી અનેક સિરિયલો અને ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer