આઈએમસીના `મિશન એન્ગેજ મહારાષ્ટ્ર''નું મંગળવારે મુખ્ય પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન

આઈએમસીના `મિશન એન્ગેજ મહારાષ્ટ્ર''નું મંગળવારે મુખ્ય પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન
રાજ્યને આર્થિક મોરચે અવ્વલ બનાવવા આઈએમસી સરકાર સાથે નિકટતાથી કામ કરશે
મુંબઈ, તા. 21 : ચેમ્બર અૉફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપક્રમે આવતા મંગળવારે-24 નવેમ્બરે બપોરે 12.30 વાગ્યે `િમશન એન્ગેજ મહારાષ્ટ્ર'નું અૉનલાઇન ઉદ્ઘાટન રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે મુખ્ય મહેમાન તરીકે કરશે અને આ પ્રસંગે રાજ્યના ઉદ્યોગ અને ખાણ મંત્રાલયના પ્રધાન સુભાષ દેસાઈ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે.
આ પ્રસંગે આઈએમસીની ડિજિટલ ટેક્નૉલૉજી કમિટી એઆરટી (એસેસ, રેકમન્ડ, ટ્રેઇન) કાર્યક્રમ પણ શરૂ કરશે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ (એમએસએમઈ) એકમોને ડિજિટલ ક્ષેત્રમાં નિપુણ કરવા માટે આ પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે.
કોરોના મહામારીમાં સૌથી વધુ અસરગ્રસ્ત મહારાષ્ટ્રને આર્થિક મોરચે ફરીથી સદ્ધર બનાવવામાં મદદરૂપ થવાના ઉદ્દેશથી આઈએમસી દ્વારા `મિશન એન્ગેજ મહારાષ્ટ્ર'નું આયોજન કરાયું છે જેમાં ચેમ્બર રાજ્ય સરકાર સાથે નિકટતાથી કામ કરશે, એમ એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
આઈએમસીની વિવિધ ક્ષેત્રોની નિષ્ણાત કમિટીઓ મહારાષ્ટ્ર સરકારની વિવિધ યોજનાઓને સફળ બનાવવા નિકટતાથી કામ કરશે. તેમાં એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ, ડિજિટલ ટેક્નૉલૉજી, ઇઝ અૉફ લીવિંગ, હેલ્થ અને ફિટનેસ, વેપાર અને ઉદ્યોગ, આંતરરાષ્ટ્રીય વેપાર, સ્ટાર્ટ અપ્સ અને ઇનોવેશન ઍન્ડ ટ્રાવેલ ક્ષેત્રો સામેલ છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer