ભાજપે હવે પ.બંગાળની ચૂંટણીની તૈયારીઓ આરંભી

પ્રમોદ મુજુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 21 : બિહારની ચૂંટણી બાદ ભારતીય જનતા પાર્ટીએ હવે પોતાનું સંપૂર્ણ ધ્યાન પશ્ચિમ બંગાળ તરફ કેન્દ્રીત ર્ક્યું છે. આવતા વર્ષે બંગાળ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ પ.બંગાળમાં ભાજપનો વધતો જતો જનાધાર જોઈને એટલી ચિંતા નથી વધી જેટલી એઆઈએમઆઈ એમના ઓવૈસીની વિધાનસભા ચૂંટણીમાં ઉતરવાની જાહેરાતથી થઈ છે. એની અસર સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસના મુખ્ય પ્રધાન મમતા બેનરજીને થવાના આસાર દેખાઈ રહ્યા છે.
બિહારની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ પહેલીવાર પાંચ બેઠકો જીતીને રાજકીય વિશ્લેષકોને અને નિષ્ણાતોને અચંબામાં નાખી દીધા છે. આ જીતથી પોરસાયેલા ઓવૈસીએ હવે પોતાનો મોરચો પ.બંગાળ તરફ વાળ્યો છે. ઓવૈસીએ ભાજપને પોતાનો મુખ્ય શત્રુ ગણાવીને સત્તાધારી તૃણમૂલ કૉંગ્રેસના પ્રમુખ, મુખ્ય પ્રધાન મમતા બેનરજીને સાથે મળીને ચૂંટણી લડવાનો પ્રસ્તાવ મોકલ્યો છે. એમ કરીને પોતાને લઘુમતીઓના સમર્થક અને હિતેચ્છુ હોવાનો દાવો કરનારા મમતા બેનરજીને તેમણે મૂંઝવણમાં નાખ્યા છે.
ભાજપએ ચૂંટણીને ધ્યાનમાં રાખી પક્ષના સંગઠનને વધુ સઘન કરી દીધું છે અને હવે આવતા વર્ષે ચૂંટણી યોજાય ત્યાં સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દર મહિને ત્યાંની મુલાકાત લેશે એવી વિધિવત જાહેરાત કરી છે. એ ઉપરાંત પાંચ મુખ્ય પદાધિકારીઓને ક્ષેત્રવાર જવાબદારીઓ સોંપી છે. બંગાળના રાજકીય જાણકારોનું માનવું છે કે મુખ્ય મુકાબલો તો ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસ વચ્ચે જ થવાનો છે. ઓવૈસીની એઆઈએમઆઈએમ પાર્ટી ચૂંટણીના મેદાનમાં આવવાથી ભાજપને કોઈ નુકસાન થવાનું નથી અને થશે તો તૃણમૂલ કૉંગ્રેસ સાથે કૉંગ્રેસ, ડાબેરી પાર્ટીને નુકસાન થઈ શકે છે.
મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ હજી સુધી ઓવૈસીના પ્રસ્તાવનો સ્વીકાર કે અસ્વીકાર કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે મમતાના જનાધારને મોટો આઘાત લાગવાની શક્યતાને કોઈ નકારી શકે એમ નથી. આવી સ્થિતિમાં મમતા બેનરજી શું નિર્ણય લે છે એ તરફ રાજકીય વિશ્લેષકોનું ધ્યાન છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer