બે દિવસમાં પેટ્રોલનો ભાવ 37 પૈસા, ડીઝલનો 51 પૈસા વધ્યો

રાજકોટ, તા.21: લોકડાઉન ખૂલ્યા પછી માંડ માંડ સ્થિર રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવ ફરીથી વધવા લાગતા આમ જનતાનો જીવ બળવા લાગ્યો છે. એક તરફ ખાદ્યતેલોના ભાવમાં પ્રચંડ ભાવવધારાથી ઘરના બજેટ વેરવિખેર થઇ ચૂક્યાં છે. એવામાં હવે પેટ્રોલ-ડીઝલ પણ પજવી રહ્યા છે. બે દિવસમાં પેટ્રોલનો ભાવ 37 પૈસા અને ડીઝલનો ભાવ 51 પૈસા જેટલો ઉંચકાઇ ચૂક્યો છે. હવે ધીરે ધીરે ભાવવધારાનો ડોઝ આકરો બનતો જવાની વકી છે.
કોરોનાને લીધે લોકડાઉન આવ્યું ત્યાર પછી સરકારે આવક વધારવા માટે પેટ્રોલ અને ડીઝલ ઉપર આકરી એક્સાઇઝ નાંખી હતી. એ પછી ભાવ એકધારા વધતા જ રહ્યા હતા. જોકે પાછલા બે માસથી પેટ્રોલના ભાવ સ્થિર હતા. ત્યાં ઓઇલ કંપનીઓએ વૈશ્વિક ક્રુડના ભાવ વધ્યા હોવાના બહાને કાંકરીચાળો કર્યો છે. રાજકોટમાં શુક્રવારે પેટ્રોલનો ભાવ 21 પૈસા અને શનિવારે 16 પૈસા વધી ગયો છે. શહેરમાં પેટ્રોલનો ભાવ રૂ. 78.95ની સપાટીએ હતો. પેટ્રોલની તુલનાએ ડીઝલ વધારે પ્રમાણમાં ઉંચકાયું છે. રાજકોટમાં શુક્રવારે 28 પૈસા અને શનિવારે 23 પૈસા એમ કુલ 51 પૈસા વધીને રૂ. 76.44માં ડીઝલ વેંચાય છે. ડીઝલનો ભાવ દોઢ માસ પછી ઉંચકાયો છે. ભાવવધારાનો સિલસિલો આમ જ ચાલુ રાખવાની ઓઇલ કંપનીઓની ગણતરી સ્પષ્ટ જણાય રહી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer