26/11ની બારમી વરસી અગાઉ એનએસજીએ મોડી રાત્રે કરી મૉક ડ્રિલ

મુંબઈ, તા. 21 : નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી)એ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાની બારમી વરસીના એક અઠવાડિયા અગાઉ  આતંકવાદીઓએ જ્યાં હુમલો કર્યો હતો એ નરિમાન પોઇન્ટ વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે મૉક ડ્રિલ કરી હતી. 
મોડી રાત્રે યોજાયેલી ડ્રિલમાં, નકલી બંધકો, આતંકવાદીઓ અને બચાવ ટુકડીઓ નકલી વિસ્ફોટકથી સજ્જ હતી. મૉક ડ્રિલ દરમિયાન થયેલા વિસ્ફોટકના અવાજથી એ વિસ્તારમાં ભયનું મોજું ફરી વળ્યું હતું. જોકે એનએસજીના અધિકારીનું કહેવું છે કે ધડાકા એ મૉક ડ્રિલનો હિસ્સો છે, કોઈ હુમલો નહીં. 
સુરક્ષા જ્યાં ભેદી શકાય છે એવા સ્થળે એનએસજી મહિનામાં બે-ત્રણ વખત મૉક ડ્રિલ કરતી હોય છે. એમાંથી અનેક કવાયત રાજ્ય સરકાર કે અન્ય એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે સુરક્ષાની તૈયારી એવાં સ્થળો પર વધુ છે જ્યાં આતંકવાદીઓના સોફ્ટ ટાર્ગેટ પર હોય. 
નિયમ મુજબ, એનએસજીના અધિકારીઓએ સ્થાનિક મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનને જાણકારી આપી હતી. ડ્રિલમાં એન્ટી ટેરર સેલે પણ ભાગ લીધો હતો. મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે, મૉક ડ્રિલ 12.30થી સવારે 3.30 વાગ્યા સુધી ચાલી હતી જેમાં એટીસીના અમુક અધિકારીઓએ પણ ભાગ લીધો હતો. 
અધિકારીએ જણાવ્યું કે ડ્રિલમાં આતંકવાદીઓનો મુકાબલો કરતા અધિકારી, પીડિતોને સહાય પહોંચાડતી ટીમ અને અન્ય પીડિતોને ઉગારનારી એનએસજી કમાન્ડોની ટીમ સામેલ હતી. ડ્રિલના ભાગરૂપ અમે ડમી વિસ્ફોટકોનો પણ ઉપયોગ કર્યો હોવાથી અમુક સ્થાનિક લોકોને શંકા થઈ હતી કે પાછો આતંકવાદી હુમલો તો નથી થયો ને? જોકે અમે તેમને આશ્વાસન આપ્યું હતું કે આ મૉક ડ્રિલ છે અને ચિંતા કરવાની જરૂર નથી. 
અધિકારીએ વધુમાં જણાવ્યું કે, સામાન્યપણે જે સમયે આતંકવાદીઓ ઘૂસવાનો પ્રયાસ કરે એવો સમય મૉક ડ્રિલ માટે પસંદ કરવામાં આવે છે. એનએસજીના એક અધિકારીએ જણાવ્યું કે, અમે મૉક રિલને શહેરભરના મેટ્રો જેવા વિભિન્ન સ્થળે કરીએ છીએ જેથી ભીડ-ભાડવાળાં સ્થળો પર સુરક્ષાની ઉચિત ઉપાય યોજના કરી શકાય.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer