ધર્મ પરિવર્તન કરેલા માતાની અંતિમવિધિ માટે બે ભાઈઓ વચ્ચે કલહ

થાણે, તા. 21 : મહારાષ્ટ્રના પાલઘરમાં થોડા વરસ અગાઉ ખ્રિસ્તી ધર્મ સ્વીકારનાર એક મહિલાનું મૃત્યુ થતાં એના એક પુત્રએ ખ્રિસ્તી વિધિ મુજબ અંતિમવિધિ કરી જ્યારે બીજા પુત્રએ પ્રતિકાત્મક રીતે હિન્દુ વિધિથી અગ્નિસંસ્કાર આપ્યો. આ ઘટના વાડા તહેસિલમાં આવેલા અવાંડે ગામમાં બે દિવસ અગાઉ બની હતી. 
મૃતક મહિલાના બે પુત્રો વચ્ચે એ વાતે વિવાદ થયો કે માતાની અંતિમવિધિ કઈ રીતે કરવી. મૃતકના એક પુત્રએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો છે તો બીજો હિન્દુ છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર દિલીપ પવારે જણાવ્યુ કે, 65 વર્ષીય ફુલાઈ ધાવડેનું 18 નવેમ્બરે રાત્રે મૃત્યુ થયું. એણે પતિ મહાજૂ અને નાના દીકરા સુધાન સાથે થોડા વરસ અગાઉ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો. જ્યારે મોટા દીકરાએ હિન્દુ રહેવાનું પસંદ કર્યું હતું. 
પવારે કહ્યું કે, મહિલાના મૃત્યુ બાદ બંને ભાઈઓ વચ્ચે માતાની અંતિમવિધિ કઈ વિધિ મુજબ કરવી એ અંગે વિવાદ શરૂ થયો. બંને ભાઇઓ જીદે ચઢ્યા કે તેઓ જે ધર્મ પાળે છે એ મુજબ માતાની અંતિમવિધિ કરવી. વિવાદને પગલે ગામના લોકો ભેગા થઈ ગયા, પણ એક પણ ભાઈ ટસનો મસ થવા તૈયાર નહોતો. 
પોલીસના જણાવ્યા મુજબ, પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાકી પોલીસ પાટીલ વાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પૂરી જાણકારી આપી. પવારે જણાવ્યું કે પોલીસ અધિકારી સુધીર સાંખે ગામમાં ગયા અને તેમણે પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું કે મહિલાને ખ્રિસ્તી ધર્મ મુજબ દફનાવવામાં આવે. એ મુજબ મહિલાને દફનાવવામાં આવી. જોકે, બીજો પુત્ર માનવા તૈયાર નહોતો. એણે ચિતા પર એક ઢીંગલી મુકી પ્રતિકાત્મક અગ્નિદાહ આપ્યો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer