ઉપાધ્યક્ષ તરીકે યોગેશ સાગર અને મહેશ કારિયાની પસંદગી

મુંબઈ ભાજપના વડા મંગલપ્રભાત લોઢાએ ટીમ જાહેર કરી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : ભાજપના મુંબઈ એકમના અધ્યક્ષ મંગલપ્રભાત લોઢાએ આજે જાહેર કરેલા હોદ્દેદારોમાં ઉપાધ્યક્ષ તરીકે ભાજપના ચારકોપના વિધાનસભ્ય યોગેશ સાગર અને મહેશ કારિયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણ મહામંત્રીઓમાં બોરીવલીના વિધાનસભ્ય સુનિલ રાણે, અંધેરીના વિધાનસભ્ય અમિત સાટમ અને સંજય ઉપાધ્યાયનો સમાવેશ કરવામાં આવ્યો છે.
યોગેશ સાગર, મહેશ કારિયા, પાર્લાના વિધાનસભ્ય પરાગ અળવણી, સાયન-કોલીવાડાના વિધાનસભ્ય કૅપ્ટન સેલ્વન, ભૂતપૂર્વ વિધાનસભ્ય રાજહંસ સિંહ, અમરજિત સિંહ અને હિતેજશ જૈન સહિત 13 નેતાઓને ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. ખજાનચી તરીકે કિરીટ ભણશાળી અને સહખજાનચી તરીકે કેવિન શાહની પસંદગી કરવામાં આવી છે. જ્યારે 13 મંત્રીઓમાં ભૂતપૂર્વ નગરસેવકો - જ્ઞાનમૂર્તિ શર્મા, વિનોદ શેલાર, શિવા શેટ્ટી અને પ્રવીણ છેડાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
કારોબારીમાં 44 આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સાંસદો ગોપાળ શેટ્ટી, પૂનમ મહાજન અને મનોજ કોટક, ઘાટકોપરમાંથી અઅગાઉ છ વખત વિધાનસભામાં ચૂંટાનારા અને ભૂતપૂર્વ ગૃહનિર્માણ પ્રધાન પ્રકાશ મહેતા, ઘાટકોપરના વિધાનસભ્ય પરાગ શાહ, મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચા, ભૂતપૂર્વ પ્રધાન રાજ કે. પુરોહિત, જિતેન ગાજરિયા, નેહલ શાહ, કનક પરમાર તેમ જ ભૂતપૂર્વ નગરસેવકો - દિલીપ પટેલ અને જગદીશ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. કારોબારીમાં વિશેષ નિમંત્રિત તરીકે વિધાનસભાના વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ, રેલવે પ્રધાન પિયુષ ગોયલ, સાંસદ નારાયણ રાણે, પક્ષના રાષ્ટ્રીય મંત્રી વિનોદ તાવડે, માધવ ભંડારી અને જાફર ઈસ્લામનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મંગલપ્રભાત લોઢાએ આજે પક્ષના વિવિધ 32 સેલના પ્રમુખોના નામો જાહેર કર્યા છે. ગુજરાતી સેલના વડા તરીકે સંજીવ પટેલ, વ્યાપાર આઘાડીના વડા તરીકે જયેશ જરીવાલા, ઈન્ડસ્ટ્રીઝ સેલના વડા તરીકે શંકર ભાનુશાળી, વરિષ્ઠ કાર્યકર્તા આઘાડીના પ્રમુખ તરીકે ભૂતપૂર્વ નગરસેવક અશ્વિન વ્યાસ, વિદ્યાર્થી આઘાડીના પ્રમુખ તરીકે સુજય ચોકસી, પ્રોફેશનલ સેલના પ્રમુખ તરીકે શૈલેષ ઘેડિયા અને સાંસ્કૃતિક સેલના પ્રમુખ તરીકે જેસલ કોઠારીની નિમણૂક કરવામાં આવી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer