અમેરિકામાં ડ્રગ્સની હેરફેરના આરોપમાં મૅક્સિકોના પૂર્વ સંરક્ષણ સેક્રેટરીની ધરપકડ

રાજેન્દ્ર વોરા તરફથી
વોશિંગ્ટન, તા. 17 : મેક્સિકોના ભૂતપૂર્વ સંરક્ષણ સેક્રેટરી સાલ્વેડોર સિએનફ્યુગોસની કેફી દ્રવ્યની હેરાફેરી કરવાની શંકાના આધારે શુક્રવારે સવારે લોસ એન્જલસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે.
મેક્સિકોના વિદેશ પ્રધાન માર્સેલો એબરાર્ડે જણાવ્યું હતું કે અમેરિકાના મેક્સિકો ખાતેના રાજદૂત ક્રિસ્ટોફર લેન્ડાઉએ તેમને આ વાતની જાણ કરી હતી. સિએનફ્યુગોસને સુનાવણી માટે ન્યૂ યોર્ક લઈ જવામાં આવશે. સિએનફ્યુગોસ 2012-18 સુધી સંરક્ષણ સેક્રેટરી હતા અને ડ્રગ એન્ફોર્સમેન્ટ એડમિનિસ્ટેશન વિભાગની વિનંતિથી અમેરિકાના અધિકારીઓએ તેમની ધરપકડ કરી હતી.
કેફી દ્રવ્યની હેરાફેરી અને મની લોન્ડરીંગના આરોપ હેઠળ તેમની તપાસ કરાશે. 72 વર્ષના સિએનફ્યુગોસ નિવૃત્ત આર્મી જનરલ છે અને અમેરિકામા કેફી દ્રવ્યની હેરાફેરી સંબંધે પકડવામાં આવ્યા હોય એવા ઉચ્ચ દરજ્જાના પ્રથમ લશ્કરી અધિકારી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer