ત્રણ પખવાડિયા બાદ દેશમાં કોરોનાના સક્રિય કેસ આઠ લાખથી ઓછા

કુલ સંક્રમિતોની સંખ્યા 74 લાખને પાર; મરણાંક 1,12,198
નવી દિલ્હી, તા. 17 : કોરોનાના કહેરથી ભારતીય જનજીવનમાં સતત ઉચાટ વચ્ચે આશ્વાસનરૂપ આંકડા પર નજર કરીએ તો દોઢેક મહિના પછી પહેલીવાર દેશમાં સક્રિય કેસોનો આંક આઠ લાખથી નીચે રહ્યો છે.
દેશમાં વીતેલા 24 કલાકમાં 62,212 નવા કેસ સામે આવતાં કુલ સંક્રમિતોની સંખ્યા 74 લાખને પાર કરી જઈને 74,32,681 પર પહોંચી ગઈ છે. બીજીતરફ, શનિવારે વધુ 837 દર્દી ઘાતક વાયરસ સામેની લડત હારી જતાં મરણાંક વધીને 1,12,198 પર પહોંચ્યો છે. કોરોનાથી થતા મૃત્યુનો દર 1.52 ટકા છે.
છેલ્લા 24 કલાકમાં 70,816 સંક્રમિતો કોરોના સામે જંગ જીતી જતાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 65 લાખને આંબી 65,24,596 પર પહોંચી ગઈ છે.
આમ, દેશના વિવિધ ભાગોમાં સાજા થયેલા દર્દીઓનો દર એટલે કે, રિકવરી રેટ વધીને 87.78 ટકા પર પહોંચી ગયો છે.
છેલ્લા 24 કલાકમાં 9441 સક્રિય કેસ ઘટયા છે. દેશમાં આજની તારીખે 7,95,087 સક્રિય કેસ છે, જે કુલ સંક્રમિતોની સંખ્યાના માત્ર 10.70 ટકા રહી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે શુક્રવારે 63,371 નવા કેસ સામે આવ્યા હતા, જેની તુલનામાં આજે નવા કેસ ઘટવાની સાથોસાથ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધી છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer