વર્ષના આખર સુધી શૅરબજારમાં વધઘટનો માહોલ રહેશે

કરેક્શનની રાહ જોઈ નવું રોકાણ કરવાની સલાહ'
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી'
મુંબઈ, તા. 17 : કોરોનાના કેસિસ વિશ્વના અમુક રાષ્ટ્રોમાં ફરી જોવા મળતા સ્થાનિક સરકારો દ્વારા નવેસરથી નિયંત્રણો લાદવામાં આવતાં ભારતીય શેર બજારોમાં ગત સપ્તાહની મધ્યમાં મોટું કરેક્શન જોવા મળ્યું.'
અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માત્ર ત્રણ સપ્તાહ દૂર હોવાથી વૈશ્વિક શેર બજારો પણ થોભો અને રાહ જુઓની નીતિ હેઠળ કરેક્શન મોડમાં આવ્યા હતા. અમેરિકામાં બંને રાજકીય પક્ષોની અર્થતંત્ર ચલાવવાની પદ્ધતિ સદંતર ભિન્ન હોવાથી શેર બજારો તેનો તાગ મેળવી શકતા નથી કે ભવિષ્યમાં સત્તા સ્થાને રિપબ્લિકન આવશે કે ડેમોક્રેટ.'
મતદાનની પ્રક્રિયા ઘણી લાંબી ચાલવાની છે અને તેમાં કાનૂની પ્રક્રિયા ઓર વિલંબ કરે તેવી શકયતા હોવાથી આર્થિક પેકેજ જાહેર થવામાં વધુ મોડું થવાની ધારણાએ શેર બજારો નર્વસ થઈ વેચવાલી તરફ વળ્યાં હતા.'
નજીકના દિવસોમાં ભારતીય શેર બજારોમાં પણ પ્રોફિટ બાકિંગ થવાની શકયતા છે. આ વર્ષમાં શેર બજારોની નવી ઊંચાઈ જોવી મુશ્કેલ છે તેમાં નફો બુક કરવાનું માણસ વિશેષરૂપે જોવા મળશે, એમ સેમકો સિક્યુરિટીઝના સીઈઓ જીમિત મોદી જણાવે છે.'
જો માર્કેટ નીચેની દિશામાં આગળ વધશે તો ઘટ્યા મથાળે ઉત્તમ શેર્સમાં રોકાણ કરવાની સોનેરી તક નાના રોકાણકારોને મળશે. આઇપીઓ માટેનો ઉત્સાહ હવે શમી રહ્યો છે. તેમાંય વૈશ્વિક અર્થતંત્ર વિકાસ સાધવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સેન્ટિમેન્ટ વેચવાલીનું બનશે અને નવા વર્ષની શરૂઆત થાય ત્યાં સુધી તે યથાવત્ત રહેશે.'
આ ઉપરાંત સ્થાનિક રોકાણકાર સંસ્થાનો પણ ટેકો બજારને નથી. ઓક્ટોબરમાં ડીઆઇઆઈ દ્વારા વેચાણ સતત ચાલુજ છે. આમ, સ્થાનિક બજારો માટે આ તમામ પરિબળો નકારાત્મક બની રહ્યા છે.'
બજારમાં માગ વધારવા માટે કેન્દ્ર સરકારે અમુક સવલતો જાહેર કરી છે પણ આ ક્ષુલ્લક સવલતો કેટલી અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું. દેશના અર્થતંત્રને વિરાટ કદની સામે આ પેકેજ છેક જ નાનું લાગી રહ્યું છે તેથી શેર બજાર તેનાથી પ્રભાવિત થાય તેવું જણાતું નથી.'
નિફટીમાં બેરીશ કેન્ડલ રચાઈ છે જે સંકેત કરે છે કે તેજીનો આખલો હવે થાકી ગયો છે અને બજારને વધુ ઊંચે લઈ જઈ શકે તેમ નથી. નિફટીને 11300ના સ્તરે ટેકો અને 11900ના સ્તરે પ્રતિકારનો સામનો કરવો પડે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી છે.'
નવા સપ્તાહમાં બજાર રેન્જ બાઉન્ડ રહેશે. આવતા સપ્તાહમાં એચયુએલ,બ્રિટાનિયા, એચડીએફસી લાઈફ અને એવેન્યુ સુપર માર્કેટના ત્રિમાસિક પરિણામો જાહેર થશે. તેની બજાર ઉપર મોટી અસર નહિ થાય.'
રોકાણકારોએ નવું રોકાણ કરતા પહેલા કરેક્શનની રાહ જોવી અને પછીજ બજારમાં એન્ટ્રી કરવી, એમ જીમિત મોદી જણાવે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer