સેસ્ડ ઈમારતોનું રિડેવલપમેન્ટ નિ:શુલ્ક કરવા ટોચના બિલ્ડરો તૈયાર

મુંબઈ, તા. 17 : મુંબઈના કેટલાક ટોચના બિલ્ડરોએ રાજ્ય સરકારનો સંપર્ક કરી એમ જણાવ્યું છે કે અમે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાંની 15,750 બિલ્ડિગોનું રિડેવલપમેન્ટ કોઈપણ જાતના આર્થિક લાભ વિના કરવા કરવા તૈયાર છીએ. આ 15,750 બિલ્ડિગોમાંથી 14,250 સેસ ઈમારતો અને બાકીના ઝૂંપડપટ્ટી પુર્નવસન પ્રોજેક્ટ' છે.'
આ બિલ્ડરો બિલ્ડર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના મેમ્બરો છે. આ એસોસિયેશન બાંધકામ ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા છે અને એના 20 હજારથી વધુ મેમ્બરો છે. એસોસિયેશને ઉદ્ધવ ઠાકરેની સરકારને જણાવ્યું છે કે આ રિડેવલપમેન્ટના કામમાંથી એમને કોઈ આર્થિક લાભ થાય એવું ઈચ્છતા નથી કે પછી અમે ડેવલપમેન્ટ પ્લાનમાં કોઈ ફેરફાર થાય એવી પણ અમારી માગણી નથી.'
અંગ્રેજી અખબાર મુંબઈ મિરરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર એસોસિયેશને મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને હાઉસિંગ પ્રધાન જીતેન્દ્ર આવ્હાડને કહ્યું છે કે જુની અને જાખમી બિલ્ડીંગો તૂટી પડવાની દર વર્ષે જે ઘટનાઓ બને છે એનાથી અમારા મેમ્બરો વ્યથિત છે અને તેમણે અમને આ બાબત હાથમાં લેવાની વિનંતી કરી છે.'
અસોસિયેશનના હાઉસિંગ અને રેરા કમિટીના ચેરમેન આનંદ ગુપ્તાએ કહ્યું હતું કે અમે એક ઈન્ટરનલ સર્વે કરાવેલો અને એમાં અવું તારણ આવ્યું હતું કે આવી ઈમારતોના રહેવાસી અને ડેવલપરો વચ્ચે વિશ્વાસનો અભાવ છે. આ ઉપરાંત ડેવલપરો અને નાણાંકીય સંસ્થા વચ્ચે પણ વિશ્વાસનો અભાવ છે. વિશ્વાસના અભાવને લીધે સેસ બિલ્ડિગોના રિડેવલપમેન્ટનું અને ઝુંપડપટ્ટી પુર્નવસન પ્રોજેક્ટોના કામો અટકી પડે છે. પણ જો આ પ્રોજેક્ટમાં મ્હાડા, એમએમઆરડીએ અને સિડકો જેવી સરકારી સંસ્થા સંકળાયેલી હોય ત્યારે આ અવિશ્વાસ નીકળી જાય છે અને પ્રોજેક્ટ પુરો થાય છે. આને કારણે અમે અમારા પ્રસ્તાવ સાથે રાજ્ય સરકારનો સંપર્ક કરવાનું નક્કી કર્યુ. જો આ પ્રસ્તાવ મંજૂર થશે તો શહેરને લાભ થશે.'
તેમણે કહ્યું હતું કે સરકારી રેકોર્ડ પ્રમાણે 14,250 સેસ બિલ્ડિગો રિડેવલપ કરવાની તાતી જરૂર છે. આ ઈમારતોમાં બેથી ત્રણ લાખ પરિવારો રહે છે. સેસની જોગવાઈના 29 વર્ષ બાદ પણ આ ઈમારતોના રિડેવલપમેન્ટ માટે હજી સુધી ફંડ હોવા છતાં કોઈ નક્કર પગલા લેવાયા નથી એ ચિંતાની બાબત છે. ડેવલપમેન્ટ કન્ટ્રોલ નિયમ 33 (10) હેઠળ 1500 સ્લમ પ્રોજેક્ટ અલગ અલગ કારણોસર પેન્ડિગ છે. આ પ્રોજેક્ટોમાં 14 લાખ ઝુંપડાનો સમાવેશ છે અને 60 લાખ લોકો વસવાટ કરે છે.'
અસોસિયેશનના મુંબઈ સેન્ટરના ચેરમેન મોહિન્દર રિજવાનીએ કહ્યું હતું કે અમારા પ્રસ્તાવમાં અમારી એકમાત્ર શરત એ છે કે પ્રોજેક્ટ પુરો થાય ત્યાં સુધી કોન્ટ્રેક્ટર અમારો જ હોવો જોઈએ. અમે કોઈ આર્થિક લાભની કે પછી ડેવલપમેન્ટ રૂલ્સમાં ફેરફારની માગણી કરી નથી. પ્રોજેક્ટના સેલેબલ કમ્પોનન્ટ્સમાંથી સરકાર પોતાનો હિસ્સો વેચીને આવક રળી શકશે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer