લૉકડાઉનમાં નોકરી ગુમાવનારાઓને માટે રાહતની જાહેરાત

નવી દિલ્હી, તા. 17 : એમ્પ્લોયીઝ સ્ટેટ ઇન્શોયરન્સ કોર્પોરેશન અંતર્ગત નોંધાયેલા કર્મચારીઓ માટે સરકારે અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના લૉન્ચ કરી છે. જેના અંતર્ગત લૉકડાઉન દરમ્યાન નોકરી ગુમાવનારને દોઢ મહિનાનો પગાર ચુકવવામાં આવશે. જો એ પાછો કામે લાગ્યો હશે તો પણ એને યોજનાનો લાભ મળશે. આ માટે 44 હજાર કરોડ રૂપિયાના પેકેજ અંગેનું નોટિફિકેશન ઇએસઆઈસીએ શુક્રવારે જારી કર્યું હતું.'
યોજનાને ખાસ પ્રતિસાદ નથી મળ્યો પણ એનો લાભ લેવા લોકો આગળ આવશે એવી અમને આશા છે. યોજનાની જાણકારી વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે એ માટે જાહેરાત આપવાની યોજના હોવાનું લેબર મિનિસ્ટ્રીના અધિકારીએ જણાવ્યું હતું.'
લૉકડાઉન દરમ્યાન જેમને સૌથી માઠી અસર થઈ હતી એવા પ્રવાસી મજૂરો અને ફેક્ટરીના કામદારો માટે કોઈ યોજના ન હોવાની ટીકાઓના જવાબરૂપ આ યોજના હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.
ઇએસઆઈસીના સભ્ય જો ડિસેમ્બરમાં પણ નોકરી ગુમાવશે તો એને યોજનાનો લાભ મળી શકશે. મંત્રાલયના સૂત્રએ જણાવ્યું કે, ગયા મહિને યોજના મલમાં મુકાયા બાદ રોજ 400 અરજીઓ આવતી હતી. જોકે રાહતની રકમ 25 ટકાથી વધારી 50 ટકા કરાતા અરજીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.'
જોકે બેકારી ભથ્થાનો લાભ ત્યારે જ મળી શકશે જ્યારે કંપનીના માલિકો દ્વારા અરજી કરવામાં આવી હોય, લેબર મંત્રાલયે હવે દાવો સીધો ઇએસઆઇસી બ્રાન્ચ અૉફિસમાં પણ કરવા માટેની પરવાનગી આપી છે. ઇએસઆઈસી સર્વિસ લગભગ 3.4 કરોડ પરિવારોના મેડિકલ ઇન્શ્યોરન્સ કવર કરે છે અને રોકડ લાભો લગભગ 13.5 કરોડ લાભાર્થીઓને આપે છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer