વિદાય લેતા પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે મુંબઈ ઍરપોર્ટ પર કોરોનાના ટેસ્ટની સુવિધા

મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : મુંબઈ વિમાનીમથકે હવે વિદાય લેતા પ્રવાસીઓ અને બિનપ્રવાસીઓ માટે કોરોનાના પરિક્ષણની સુવિધા કાર્યરત થઈ છે.
કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા આપવામાં આવેલા નિર્દેશ અનુસાર છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાનીમથકે અગાઉથી કોરોનાના ટેસ્ટની સુવિધા ઊભી કરવામાં આવી હતી. હવે ટર્મિનલ-બે ખાતે લેવલ-ચાર ઉપરના કર્વાસાઈડ ઉપર વિદાય લેતા પ્રવાસીઓ માટે અને પોતાના સગાં કે મિત્રોને વિદાય આપવા વિમાનીમથકે આવેલા મુલાકાતીઓ માટે આ સુવિધા 15મી અૉક્ટોબરથી શરૂ કરવામાં આવી છે. વિદાય લેતા પ્રવાસીઓ કોરોનાના નેગેટિવના તબીબી રિપોર્ટની મદદથી ભારત કે વિશ્વના કોઈ પણ શહેરમાં પહોંચ્યા પછી ત્યાં કવોરન્ટાઈન થવાની કડાકૂટમાંથી ઉગરી જઈ શકે છે. મુંબઈ વિમાનીમથકે વિદેશથી આવતા પ્રવાસીઓ કોરોના પૉઝિટિવ છે કે કેમ તેનું પરિક્ષણ કરવા માટેની સુવિધા ગત મહિને શરૂ કરવામાં આવી હતી. તેના લીધે જેઓનો તબીબી પરિક્ષણનો અહેવાલ કોરોના નેગેટિવ આવે તો તેઓ કવોરન્ટાઈન થવાની કડાકૂટમાંથી ઉગરી જતા હતા. બાદમાં કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલયની સૂચના અનુસાર વિમાનીમથકે આવતા બધા પ્રવાસીઓને આપવામાં આવી રહી છે. ગત છઠ્ઠી સપ્ટેમ્બરથી વિમાનીમથકે આ સુવિધા શરૂ કરવામાં આવી પછી 3340 પ્રવાસીઓએ તેનો લાભ લીધો છે. અત્યાર સુધીમાં 38 પ્રવાસીઓ કોરોના પૉઝિટિવ હોવાનું માલુમ પડયું છે.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer