કોવિડ-19ની રસી માર્ચમાં ભારતમાં ઉપલબ્ધ થવાની શક્યતા : સીરમ ઈન્સ્ટિટયૂટ

પુણે, તા. 17 :દેશમાં મહામારીનો પ્રાદુર્ભાવ દિવસેદિવસે વધી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 74 લાખથી વધુ હોવાનું નોંધાયું છે. તો કોરોનાને કારણે મૃત્યુ પામનારાનો આંકડો લાખની ઉપર પહોંચ્યો છે. કોરોનાને કાબુમાં લેવા માટેની રસી શોધવા માટે દુનિયાભરના વૈજ્ઞાનિકો દિવસરાત એક કરી રહ્યા છે. અમુક રસીનું ટેસ્ટિંગ છેલ્લા તબક્કામાં છે. આ વરસના અંતે કે આવતા વરસે પહેલા ત્રણ મહિનામાં રસી ભારતમાં ઉપલબ્ધ થવાની પૂરી શક્યતા હોવાનું સીરમ ઇન્સ્ટિટયૂટે જણાવ્યું હતું.'
માર્ચ 2021 સુધીમાં ભારતમાં કોરોનાની રસી મળી શકશે, એમ સીરમ ઇન્સ્ટિટયૂટના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સુરેશ જાધવે જણાવ્યું હતું. સીરમ ઇન્સ્ટિટયૂટ વિશ્વની સૌથી મોટી રસીની ઉત્પાદક કંપની છે. કોરોનાનો ફેલાવો રોકવા માટેની રસીના ઉત્પાદન માટે સીરમે માત્ર અૉક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા જ નહીં, વિશ્વની વિવિધ રસી અંગે સંશોધન કરી રહેલી સંસ્થાઓ સાથે પણ કરાર કર્યો છે.
ડૉક્ટર જાધવના જણાવ્યા મુજબ અનેક કંપનીઓ કોરોનાની રસી શોધવા માટે દિવસરાત એક કરી રહ્યા છે. ભારતમાં રસીનું બીજા અને ત્રીજા તબક્કાનું પરીક્ષણ થઈ રહ્યું છે. બે રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે તો એક રસીના બીજા ફેઝનો ડોઝ આપવાની ટ્રાયલ ચાલી રહી છે. સીરમે એસ્ટ્રાઝેનેકા ઉપરાંત અમેરિકન બાયોટેક કંપની કોડેઝેનિક્સ સાથે પણ રસી બનાવવાનો કોન્ટ્રાક્ટ કર્યો છે.'
વિશ્વ આરોગ્ય સંસ્થા (હુ)ના ચીફ સાયન્ટિસ્ટ ડૉક્ટર સૌમ્યા સ્વામિનાથને જણાવ્યું કે, કોરોનાની રસી આવતા વરસે બીજા ક્વાર્ટર સુધીમાં તૈયાર થવી જોઇએ. તેમણે વધુમાં જણાવ્યુ કે, જાન્યુઆરી 2021 સુધીમાં આપણને પરિણામ જોવા મળશે અને 2021ના બીજા ક્વાર્ટર સુધીમાં સાર્સ-કોવ-2 (કોરોનાના વિષાણુ) વિરોધી રસી તૈયાર થવી જોઈએ.'

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer