બિહારની ચૂંટણી : ઇલેક્શન પહેલાં કોઈ સહાય નહીં, તો આગામી પાંચ વર્ષ માટે શું આશા રાખી શકાય?

મુંબઈ, તા. 17' : છેલ્લા થોડા મહિનાઓથી ગુડિયા સહા બૉલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના સમાચાર સાંભળી રહી છે. પણ એને કારણે હું કોને મત આપીશ એ નક્કી નહીં કરું, એમ સ્પષ્ટપણે ગુડિયા જણાવે છે. મુંબઈના વર્સોવા વિસ્તારમાં પતિ અને ત્રણ સંતાનો સાથે દસ વરસથી અંધેરીના વર્સોવા વિસ્તારમાં આવેલી ચાલીમાં રહેતી ગુડિયા કહે છે, લૉકડાઉન દરમિયાન અમે કોઈ સંસ્થા દ્વારા વિતરીત કરાતા રાશન પર આધાર રાખવો પડ્યો હતો. હવે કોઈ બચત રહી નથી. અમારા માટે ચૂંટણીનો આ મોટો મુદ્દો છે. પણ હું મતદાન માટે પટના જઇશ.'
તો એની બાજુમાં રહેતા બિહારના વૈશાલીના વતની અને ફિલ્મ પ્રોડક્શન યુનિટમાં કામ કરતા બ્રિજકિશોરને લૉકડાઉન દરમિયાન માત્ર બે વાર કામ મળ્યું હતું. અભિનેતાઓ દ્વારા કરાયેલી સહાયને કારણે અમારો ગુજારો થયો. આ સમયગાળા દરમિયાન એક પણ નેતા અમારી મુલાકાતે આવ્યો નથી. અભિનેતાના મૃત્યુના સમાચાર અમારી હકીકત સાથે સંકળાયેલા નથી.'
2011માં થયેલી વસતિ ગણતરી મુજબ મુંબઈમાં બે લાખ તો મહારાષ્ટ્રમાં 29 લાખ બિહારીઓ વસે છે. આમાં સિઝનલ મજૂરી માટે આવનારાઓની ગણતરી કરવામાં આવી નથી. અનલૉક બાદ રોજની 17 ટ્રેનો મુંબઈ-બિહાર વચ્ચે દોડાવાઈ રહી છે. જોકે, બિહારથી કેટલા પરપ્રાંતીય કામદારો પાછા ફર્યા છે એનો કોઈ ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી. જોકે, અધિકારીઓનું કહેવું છે કે ટ્રેનો 100 ટકા ભરાઈને આવી રહી છે.'
બિહારમાં સરકારે સોઈ-દોરાની નાનકડી ફેક્ટરી પણ શરૂ કરી નથી. મુંબઈના ખેરવાડીમાં અમે દસ જણ દાડિયા મજૂર તરીકે કામ કરતા હતા. એક એનજીઓની સહાય વડે નવેમ્બરમાં મુંબઈ પાછા ફરશું. અમે બિહારમાં કોને મત આપવો એ નક્કી કરશું, એમ ભાગલપુરમાં રહેતા ગોપાળદાસે ફોન પર જણાવ્યું હતું.'
તો એનો સહયોગી મનોજ કુમાર કહે છે કે, બિહારના ક્વૉરન્ટાઇનમાં પણ અમને ભગવાન ભરોસે રાખ્યા હતા. આ દર્શાવે છે કે તેમને અમારી કેટલી દરકાર છે. જો ચૂંટણી પૂર્વે કોઈ સહાય નહીં મળે તો આગામી પાંચ વરસ માટે અમે તેમને શું કામ યાદ રાખીએ?'

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer